સાસરિયેથી દીકરીનો લેટર
આજે સવારે મેં રોજના રૂટિન પ્રમાણે ઘરે મમ્મીને વીડિયો કૉલ કર્યો, પણ રિંગ ના ગઈ એટલે મેં પપ્પામાં કર્યો. મમ્મીને ખબર પડી ગઈ કે ફોરુંનો જ છે એટલે એમણે ઉપાડ્યો.
હા બોલ ફોરું…
હું જોવું છું મારી પરસેવે રેબઝેબ જલ્પાને…… જેમણે આજે દિવાળી કામના ભાગ રૂપે ડ્રોઈંગ રૂમ સાફ કરવાનું બીડું ઉપાડ્યું છે અને જોડે પપ્પા પણ મમ્મીને ભીનું પોતું, સર્ફ એક્સલવાળું અને ચોખ્ખું પાણી પાસ કરતા જાય છે.
મને એમ થઈ ગયું કે….યાર, મમ્મી એકલી ઘર સાફ કરે છે. એક એવો સમય પણ હતો કે હું મમ્મીને હારોહાર દરેક દિવાળીના કામમાં મદદ કરતી. બેડ ખોલીને એનો બધો સામાન - ખાસ કરીને સાત પેઢીને ચાલે એટલા ગોદડાં. આ ગોદડાં જોઈને મમ્મી દર વખતે કહેતી, આ વખતે તો ફોરું કોઈ જરૂરિયાતને આપી દેવા છે. શું કરીશું આપણે આટલા બધા ગોદડાંનું?? અને જે દિવસે બેડ સાફ કરવાનો હોય એ દિવસે મને મજા આવી જાય કેમ કે એમાંથી નીકળે ખજાનો - મમ્મી-પપ્પાના લગ્નનો આલ્બમ, હું અને પર્વ નાના હતા ત્યારના બધા ફોટો. મમ્મીની જૂની સાડીઓ. મમ્મીનું પાનેતર, એમની બાંધણી, એમનું ઘરચોળું.. અને દર વખતે આમાંથી હોઈ એક સાડી પહેરીને તો હું ઘરમાં આંટો મારું જ.
(બાય ધ વે, આ ફોટામાં પાછળ જે ચાકળો દેખાય છે એ જલ્પા જાતે ભરેલો છે, જેને હું મારા બેંગ્લોરના ઘરમાં વાપરું છું...)
બેડનો વારો પતે એટલે માળિયા સાફ કરવાનું ટાસ્ક. અમે ફ્લેટમાં રહીએ છીએ અને મને બહુ જ આનંદ છે કે અમારા ઘરે ખાલી એક જ માળિયું છે. કેમ કે મમ્મી દર વખતે કહે, ફોરું જેટલા માળિયા વધારે એટલી અઘોચર વધારે અને એને સાફ રાખવાની માથાકૂટ પણ વધારે. કેમ કે ફોરું, જે જગ્યાએ નકામી અઘોચર ભરી હોય ત્યાં લક્ષ્મી ક્યારેય ના આવે કેમ કે ઘર જ આપણું મંદિર છે.
રૂમ પતે એટલે રસોડાનો વારો આવે, સ્ટીલના ડબ્બા ધોવાના, એને તડકે તપપવવા અને પછી કોરા કપડેથી લૂછવાના અને પછી હું ટેબલ પર ચડું અને મમ્મી એક પછી એક આપતા જાય. આ ડબ્બાઓને ગુજરાત સમાચારની રંગીન પૂર્તિ પર પાથરવાના.
લગ્ન પછી જ્યારે દીકરીઓ સાસરે જતી રહે ત્યારે મમ્મીને કેટલું એકલું લાગતું હશે? અને જો હું મમ્મીને એમ કહું કે, હું અમદાવાદ આવું જ છું ને આપણે બંને સાથે ભેગા થઈને દિવાળી કામ કરીશું, તો આના જવાબમાં મારી જલ્પા કહે - ના હવે ફોરું, તું માંડ 15 દિવસ માટે આવતી હોય એમાં પણ તારી સાથે કઈ કામ કરાવું ???
મારા કબાટમાંની દરેક વસ્તુ મમ્મીએ ગોઠવીને રાખી છે, આ કબાટ આખું વર્ષ તો કદાચ બંધ પડ્યા રહે છે પણ મમ્મી જ્યારે મમ્મી દિવાળી કામ વખતે સાફ કરે ત્યારે મને વ્હોટ્સએપ પર આવા વોઈસ મેસેજ મોકલે.
ફોરું, આ બ્લેક, પિંક અને વ્હાઈટ ટીશર્ટ હવે તું નથી પહેરતી તો આ વર્ષે વર્ષાને આપી દઉં ? (વર્ષાદીદી અમારા ફ્લેટ પર કચરો લેવા આવે છે)
ફોરું, લાઈટ પિંક કલરની એક નેલ પોલિશ મળી છે, તું બેંગ્લોર લઈ જજેને. અહિયાં હું તો કરતી નથી, પડી-પડી સૂકાઈ જશે.
ફોરું, તારી ઓલી સાડીને રોલ પોલિશ કરાવીને રાખી છે, આ વખતે બેંગ્લોર લઈ જજે તો તારે પહેરાય.
ફોરું, આ એક બ્લુ કલરની ફાઈલ કામની છે કે જવા દઉં?
ફોરું, ખબર છે તે હેન્ડમેડ કિચન બનાવ્યા હતા, એ બધા મેં આજે સ્કૂલના છોકરાઓને આપી દીધા. ખુશ ખુશ થઈ ગયા. આપણે આટલા બધા કિચનનું શું કરીશું??
ફોરું, તારા ખાનામાં થોડી જગ્યા કરીને મેં મારા ડ્રેસ મૂક્યા છે.
------------------------------------------------
સાચું કહું તો..........દિવાળીકામ તો એક બહાનું હોય છે દરેક સ્ત્રી માટે, ખરેખર તો આ સફાઈ ચાલુ થતા જ વર્ષોથી સંગ્રહીને રાખેલી યાદોનું વંટોળ ફૂંકાય છે.
ઘણું જીવો મારી માવડી ‘જલ્પા’
-ફૂલની ફોરમ




Comments
Post a Comment