કુદરતની કરિશ્મા: કોડાઈકેનાલ
"છું કુદરતનું સંતાન, કુદરતના ખોળે બેસી, કુદરત સંગે રમું છું"
કોડાઈકેનાલ, તમિલનાડુનું સ્વર્ગ કે જ્યાં વાદળો આખો દિવસ તમારી સાથે વાતો કરતા રહે છે. એટલી નીરવ શાંતિ કે 5 કિમી દૂર કોઈ વાત કરતું હોય તે આપણને સીધું સંભળાય. આવી જગ્યાએ અમે ઉજવ્યા અમારા જન્મદિવસ!!
કોડાઈકેનાલનો પ્લાન એકદમ 2 કલાકમાં બની ગયો હતો, મીતની બર્થડે+મારી બર્થડે+અમારી એનિવર્સરી બધું 5 દિવસમાં લાઈનમાં આવે છે. બર્થડેમાં અમને મોંઘા ચટક રેસ્ટોરાંમાં, ઈસ્ત્રી ટાઈટ કપડાં બેસીને, 2000 રૂપિયામાં 5 ચમચી પાસ્તા સાથે બિસલેરી વૉટર પીવામાં કોઈ રસ નહોતો. અમે તો રહ્યા ભોમિયા, વહેતી નદીમાં મોં ડૂબાડીને પાણી પીવાવાળા માણસો !!
કોડાઈકેનાલ અમને અત્યાર સુધીનું સૌથી સુંદર હિલ સ્ટેશન લાગ્યું કેમ કે અમે પ્રોપર સિટીમાં રોકાયા નહોતા, આ લોકેશન 2 વર્ષ પહેલાં ગુજરાતમાં જેમ અમે ડેડિયાપાડામાં રોકાયા હતા તેવું જ હતું. સિટી લાઈફથી દૂર. કે જ્યાં સૌથી ઊંચા પર્વત પર એક નાનકડું ઘર હોય. આ ઘરની બારીમાંથી સૂર્ય દેખાય, જે વાદળ સાથે થપ્પો રમી રહ્યો હોય. અમને લાગે છે અમે 4 દિવસમાં આખા વર્ષનો ઓક્સિજન અમારા શ્વાસમાં ભરી લીધો.
મારા પૂર્વ જર્નાલિસ્મના અનુભવથી મેં બહુ જ મસ્ત સ્ટે શોધ્યો. 2 દિવસ ટેન્ટમાં રહ્યા અને 2 દિવસ લાકડાના ઘરમાં. જ્યાં આજુબાજ ક્યાંય મોબાઈલના ટાવરના આવે ખાલી શાંતિના ટાવર જ મળે.
છેલ્લા દિવસે અચાનક અમારા બંનેની રાત્રે 3 વાગે આંખ ખૂલી ગઈ અને અમે હિંમત કરીને અંધારામાં પગ મૂક્યો અને આકાશ જોઈને એમ થઈ ગયું કે અહિંયા તો ટેલિસ્કોપમની પણ કોઈ જરૂર નથી. આટલા દૂરથી પણ ધ્રુવનો તારો, શનિ અને ગુરુ ગ્રહ દેખાતા હતા. કરોડો તારામંડળો તો જાણે આમ ફુલ ચાર્જ થઈને ચમકી રહ્યા હતા !!
'ધ હાઈ અલ્ટીટ્યૂડ'ની ટોટલ 8થી 9 પ્રોપર્ટી છે અને આ પ્રોપર્ટીના મેનેજર પણ એકદમ જિંદાદિલી. જેમણે તેમનું જીવન પહાડો પર રહેવા સમર્પિત કરી દીધું છે. જો કે આપણે અઠવાડિયાં માટે જઈએ ત્યારે આપણને બહુ સારું લાગે પણ જો ત્યાં આખું વર્ષ રહેવાનું હોય તો આપણને આઠમા દિવસે અગવડતા પડવા લાગે. અમારો સ્ટે સિટીથી 17 કિમી દૂર હતો..જમવાનું 3 ટાઈમ ત્યાં જ હતું.
મને યાદ નથી છેલ્લે આટલું તાણથી અમને કોણે જમાડ્યા હોય!!! તેમને એક નાની વસ્તુ લેવા માટે 17 કિમી નીચે આવવું પડે અને પછી પાછું પર્વત ચડાવાનો..એ પણ મહિન્દ્રાની જીપમાં. એકવાર તો મને મન થયું ગયું ડ્રાઇવર ભાઈને કહેવાનું કે લાવો ને મને થોડો હાથ સાફ કરવા દો ને!
અમારા સ્ટેમાં જે રસોઈયા હતા તેમની પાસેથી હું અમુક રેસિપી લઈને આવી. પણ મને ખબર છે એ હું બેંગ્લોરમાં ટ્રાય કરીશ તો એવો ટેસ્ટ તો મળશે જ નહીં કેમ કે તેમના હાથનો જાદુ કહો કે પ્રકૃતિનો સાથ કહો !! એ બધું આપણને શહેરની ફાસ્ટ લાઈફમાં ક્યારેય નહીં મળે. 2 દિવસમાં ટેન્ટમાં રહેવાનું અને આજુબાજુ હિંચકા બાંધેલા અમે બંનેએ મન ભરીને ખાધા.
અને કસમથી આટલા દિવસમાં અમે છેલ્લા 1 વર્ષની પેન્ડિંગ વાતો કરી. એટલો બસો સમય. અહીંયા 10 એલાર્મ મૂકીએ તો પણ સવારે માંડ માંડ આંખ ખૂલે, ત્યાં સવારે 5 વાગે ઉઠાડવા પક્ષીઓનું ટોળું આવે અને પછી સૂર્યદાદાના કિરણો. બંને દિવસ હું ટેન્ટમાંથી દોડતી બાર ગઈ કેમ કે મારે સૂર્યોદયની એક પણ પળને ચૂકવી નહોતી. વાદળો તો જાણે ભગવાને રૂ પાથરી દીધુ હોય તેમ લાગે.
'ગેલેક્સી માઉન્ટ'નો સ્ટે ઈકો-ફ્રેન્ડલી થીમ પર બનાવ્યો છે. કોડાઇકેનાલમાં એન્ટર થઈએ ત્યાં જ ચેક પોસ્ટ પર તમારે પ્લાસ્ટિકનો બધો કચરો ફેંકી દેવાનો હોય છે. ઇવન અમારા સ્ટેના મેનેજરે જ કીધું કે તમે ઘરેથી કોઈ નાસ્તો ના લાવો, અહીં આવો એટલે વધુ જમવાનું અમારી ઉપર છોડી દો.
આટલી ઊંચાઈએ બંને સ્ટેમાં સવારે છોલે કુલચા બનાવીને અમને ગરમા-ગરમ પીરસ્યા. બીજા સ્ટેમાં બાથરૂમનો પડદો હટાવો તો તમને સામે વેલી વ્યૂ આવે, હવે તમે જ કહો આવો વ્યૂ, 15 હજાર રૂપિયાની ફાઈવ સ્ટાર હોટેલમાં મળે!! કોન્ક્રીટના જંગલની માયાજાળમાં આપણે પ્રકૃતિથી અલગ થઈ રહ્યા છે. પ્રકૃતિએ આપણા માટે એટલું બધું સર્જન કર્યું છે પણ આપણી ફાસ્ટ લાઈફસ્ટાઇલમાં આપણને કઈ જોવાનો સમય નથી.
હું અને મીત રૂમની બારી ખોલીને બેઠા હતા અને ત્યાં અચાનક એ બોલ્યો, ફોરું તને ખબર છે, આપણે કમાઈએ છીએ, આપણે ખાઈએ છીએ અને છેલ્લે આપણે જ આપણા મૃત્યુને બોલાઈએ છે. ફાસ્ટ ફૂડ ખાઈને આપણે જ આપણું શરીર બગાડીએ છીએ અને આ ફાસ્ટફૂડ ખાવા માટે આપણે નોકરી કરીએ છીએ, કેવું નહીં !!! ભગવાને આપણા માટે કેટલું બધું સર્જ્યું છે પણ આપણને કુદરતી વસ્તુઓ કરતાં માનવસર્જિત વસ્તુઓ કેમ ફાવે છે?? આપણે કાચા ટમેટા નહીં ખાઈએ પણ હા જે હોય તેના પર સોસના થથેડા કરીને ખાઈએ છીએ. આવું કેમ !!
અમે જ્યારે પણ બેંગ્લોરની બહાર જઈએ ત્યારે નો ફોન, નો ડિજિટલ લાઈફ, નો ઇન્સ્ટા સ્ક્રોલિંગ, નો રીલ્સ વૉચિંગ. નવી નવી જગ્યાએ જવું, નવા લોકો સાથે વાત કરવી, નવા લોકોના ચહેરા જોવા આ બધું અમારા માટે એક રિફ્રેશમેન્ટ છે. બાકી તમે જ કહો 9 થી 5 નોકરી કરી, જમ્યા અને સુઈ ગયા. સવારે એલાર્મ બંધ કરીને પરાણે ઉઠ્યા ફરીથી નોકરીએ ગયા અને રોજ એકની એક જ વસ્તુ રિપીટ કરી. આ તો કઈ જીવન છે !! હું દર વખતે કહું છું કે જીવન જીવવું અને જીવન માણવામાં ઘણો ફેર હોય છે.
બહુ હાય હોય નહીં કરવાની, એક જ તો જીવન છે. આ જીવનમાં આપણે રોજ ખર્ચાઈ રહ્યા છે. રાત્રે સૂતી વખતે તમે પોતાને પૂછો કે આજે મેં શું સારું કામ કર્યું? આજે મને શું કરવાની મજા આવી? જો આ પ્રશ્નના જવાબમાં તમારી પાસે કઈ ના હોય તો સમજી લેવું કે તમારે એક ટ્રેનમાંથી ઉતરીને બીજી ટ્રેનમાં ચડવાની જરૂર છે.
-ફૂલની ફોરમ
Very nicely written Foram :)
ReplyDeleteThank you captain 😄
DeleteVery well articulated🙌
ReplyDelete