લદ્દાખ- ધરતીનું સ્વર્ગ
હાલ મેં કાનમાં હેડફોન ભરાયેલા છે, જેમાં ઈમ્તિયાઝ અલીની ફિલ્મ તમાશાનું 'તું કોઈ ઔર હૈ' સોંગ વાગી રહ્યું છે. હું હાલ બેંગ્લોરના 2 bhk ઘરમાં બેઠી છું, લદ્દાખથી આવ્યા એને 3 દિવસ થઈ ગયા છે, પણ નજર સામેથી હિમાલયની પર્વતમાળા ખસી રહી નથી.
કોઈ જગ્યા આટલી બધી સુંદર કેવી રીતે હોય શકે !! તમે માનવનિર્મિત 100 માળની બિલ્ડિંગ જોઈ લો અને તેની સામે પ્રકૃતિ !!આ વર્ષના 6 મહિના વીતી ગયા પછી હું આજે બ્લોગ લખવા બેઠી છું. મેટ્રો સિટીની વ્યસ્ત જિંદગીમાં એટલા બધા ડૂબી ગયા અમે બંને કે અમે પોતાને ઉજવવાનું આ પૃથ્વી પર જીવતા હોવાનું ભૂલી ગયા હતા. ઘણા સમયથી મીત એમ બોલતો કે યાર ફોરું, હવે આપણે લીઝર ટ્રિપ કરવી જોઈએ, ક્યાંક Airbnb પકડીને ત્યાં પડ્યા રહેવાનું !!
પણ, હું આ મીતને નથી ઓળખતી. હું એ મીતને ઓળખું છું જે એકપણ ખૂણો ફરવાનો બાકી ના રાખે અને એ પણ રખડેલ ભોમિયાની જેમ. લીઝર ટ્રિપ કરવાની ઉંમર ક્યારેય આવવી ના જોઈએ!!!!
બાઈક ટ્રિપનું નક્કી અમારું 1 મહિના પહેલા જ થયું. અમે બંનેએ કેમની રજા મૂકીશું, કેવી રીતે મેનેજ કરીશું તેનું કઈ ટેંશન જ નહોતું લીધું. બુકિંગ કરી દીધુ છે એટલે જખ મારીને જવું જ પડશે. અને સાચું કહું તો આ ટ્રિપે અમારા બંનેની જીવનને જોવાની રીત બદલી દીધી.
17000 ફીટ પર જ્યારે નાક થીજી ગયું હોય, ગ્લવ્ઝની અંદર હાથ થીજી ગયા હોય અને 5 કલાક સતત બાઈક પર બેસીને શરીર થોડો થોડો સાથ છોડી દે અને ત્યારે ઊભા રહીને જે કુદરત તમને દેખાય છે, તે અવર્ણીય છે. આ કુદરતને તમે હજારો ફોટામાં પણ કેદ નહિ કરી શકો તેને તો બસ તમે બંધ આંખે નિહાળી શકશો.
લદ્દાખ પર આવીને અમે લોકો સમય ભૂલી ગયા, તારીખ ભૂલી ગયા. 3 વર્ષમાં પહેલી વાર અમે લેપટોપ વગર ફરવા ગયા છીએ. મેં તો મારા ફોનમાંથી ટીમ્સ પણ અનઈન્સ્ટોલ કરી દીધું હતું. મેં મીતને કીધું કે 365 દિવસમાં 10 દિવસ આપણે આપણા માટે જીવી ના શકીએ તો આ પૈસા કમાઈએ છીએ એ શું કામના?? શું આપણે ઈએમઆઈ અને બિલ ભરવા માટે જ જીવી રહ્યા છીએ ??? આપણી આજુબાજુ એટલી બધું છે પણ આપણે એક કોન્ક્રીટના જંગલમાં પડ્યા રહ્યા છીએ અને આ જંગલમાં જ ખુશ રહેવાની આદત પાડી દીધી છે.
અમે બુકીંગ કર્યું ત્યારે આ દિવસની ટ્રિપમાં બીજા કોઈ નહોતા, અમે સતત પૂછી રહ્યા હતા કે કોઈ વસ્તી થઈ?? કોઈ કપલ છે બીજું?? તો અમને સથવારો રહે. અમને છેક સુધી કઈ જ ખબર નહોતી પણ જયારે દિલ્હી બધા મળ્યા ત્યારે ખબર પડી કે 80% લોકો ગુજરાતી છે.
(હું આ ગ્રુપ ફોટોમાં નથી, કેમ કે ફોટોગ્રાફર ફોટોમાં ના હોય 😉😁)
પછી તો શું મોજ પડી ગઈ. અમે જે લોકલ સ્થળે ઊભા રહીએ ત્યાં અમારી બોલી સાંભળીને દુકાનવાળા ભાઈ કહે, આપ ગુજરાત સે હો?? અરે બહોત લોગ આતે હૈ ગુજરાત સે. ગુજરાત વાલે કપડે કમ ઔર સાથ મેં નાસ્તે ઝ્યાદા લાતે હૈ, પતા નહીં વો ખાખરા, ફાફડા, થેપલા જૈસા ખાતે હૈ ઔર હમે ભી ખીલાતે હૈ!!
લદ્દાખ એવી જગ્યા છે જ્યાં લીલોતરી નથી, ખાલી પર્વતોના મેળા જામેલા છે.તેમ છતાં આ જગ્યા ધરતીનું સ્વર્ગ લાગશે, ખાસ કરીને પેંગોંગ લેક. જ્યારે 3 ઈડિયટ્સ મૂવી આવ્યું એ સમયથી મીતે મનમાં ગાંઠ વાળી લીધી હતી કે તે આ લેક પર જઈને જ રહેશે. દર 5 મિનિટ પછીનો નજારો અલગ હોય, રસ્તામાં વાદળ આવી જાય, ક્યારેક સ્નો ફૉલ થાય અને રાત્રે તો હાડ થીજવી દે તેવી ઠંડી.
'મિલ્કી વે' નરી આંખે દેખાય અને તે પણ લાખો કરોડો તારાઓની વચ્ચે. રાતે 12 વાગે જયારે મીત મને આકાશ જોવા લઇ ગયો હતો, ત્યારે તે કોઈ આકાશ નહીં પણ બ્રહ્માંડ હતું. એ જ બ્રહ્માંડ જે મને કહી રહ્યું હતું, હું કેટલો સૂક્ષ્મ અંશ છું આ ધરતી પર !!
ગાડી હોય કે બાઈક પાઈલટ અને કો-પાઈલટ એમ બંને સારા હોય તો જ સફરમાં મજા આવે અને મંજિલ ઘણી નજીક હોય તેમ લાગે. મીત મને ડગલે ને પગલે કહેતો રહે, યાર ફોરું, કોઈ બીજી છોકરી હોત તો એના તો હજાર નખરા હોત ! આવા ઓફરોડિંગ રસ્તા પર આટલા કલાક સુધી બાઈક પર બેસી રહેવું, આજુબાજુ અને પાછળથી આવતા વાહનો વિશે ગળા ફાડીને કહેવું(કેમ કે બંનેએ હેલ્મેટ પહેરેલા હોય એટલે કાન ભાઈ થોડા ઓછા ચાલે).
કઈ પણ કહો જન્નતને મહેસૂસ કરીને આવ્યા છીએ અમે. હું આ બ્લોગ લખું છું ત્યારે મીતે મને ઓછામાં ઓછી 5 વખત ડિસ્ટર્બ કરી હશે, આ કહેવા માટે -- ફોરુ......થેંક્યુ ફોર ગિવિંગ મી ઘી બેસ્ટ બાઈક ટ્રિપ ઓફ માય લાઈફ. (આ ટ્રિપ માટે મીત થોડો ડરતો હતો કેમ કે બાઈક ચલાવ્યે એને 6 વર્ષ થઈ ગયા હશે અને આવા ઓફ રોડિંગમાં ચલાવવી તે પણ મારી સાથે !! થોડું રિસ્કી લાગતું હતું ભાઈને !! અને મારો કોન્ફિડન્સ હતો સાતમા આસમાને...કઈ પણ થાય જઈશું તો ખરા).
(ઠંડીમાં પતિદેવનું સ્વેટર પહેરીને અલૌકિક ખુશી માણતી હું)
જિંદાદિલી બનીને ફરવું તે બેસ્ટ ગિફ્ટ છે પોતાની જાતને આપવા માટે !!!
" તું કોઈ ઔર હૈ, કોઈ ઔર હૈ
ક્યો નહીં, જો હૈ "
-ફૂલની ફોરમ












Comments
Post a Comment