લાઈફ લેટલી



ભાગતો રહે. અરે તું ઊભો કેમ છે?? અરે થાક ખાવાનો અલાઉડ નથી. અરે થાક ખાઈશ તો બાકી બધાથી પાછળ રહી જઈશ. થંભી જઈશ તો રહી જઈશ.

અને સાચું કહું તો હું અત્યારે થંભી ગઈ છું. સિગ્નલ પર નહીં પરંતુ મારી ગાડીને સાઈડમાં પાર્ક કરીને ઊભી રહી ગઈ છું. લેઑફ નામના ટ્રાફિક પોલીસે કહ્યું જે સોરી મેડમ, તમારી સફર અહીં જ અટકાવવી પડશે.તમે આગળ નહીં વધી શકો. આ આગળ નહીં વધી શકો એ તેણે જિંદગી માટે કહ્યું કે પછી જિંદગીના સફર માટે એ સમજાયું નહીં.

મેં ઘણી બધી વાર સાંભળ્યું છે અને ખાસ કરીને તો મીતના મોઢે કે ફોરમ કંપનીએ આટલા લોકોને કાઢ્યા. આ કંપનીમાં ફાયરિંગ થયું. આ સાચે ડરામણું છે અને ત્યારે મને તે બધા માટે દુઃખ અનુભવાતું હતું અને આજે મને તે બધાને વળગીને ઈટ્સ ઓકે કહેવાનું મન થાય છે.


"ફોરમ, તું આટલો બધો જીવ કેમ બાળે છે !! એ નોકરી તને ગમતી પણ નહોતી તેમાંથી તને ખાલી પચાસ હજાર મળતા હતા."  અને મીતની વાત પણ સાચી છે, હું તે નોકરીમાં પરાણે જતી હતી અને પછી મન દઈને કામ કરતી હતી. ટિયર-1 સિટીમાં રહેતા લોકોને ક્યારેય ખર્ચ ના પૂછવો જોઈએ. 

બેંગ્લોરમાં મારી પહેલી જોબ વર્ક ફ્રોમ હોમ હતી, 2 વર્ષ હું ઘરેથી કામ કરીને કંટાળી ગઈ અને મેં ઑફિસ જવાની જીદ્દ માટે કંપની બદલી. મને લોકો સાથે બોલવા જોઈએ, હું ખુશ થઈ ગઈ, રોજ સવારે વહેલા ઉઠીને ટિફિન બનાવવાનું, મિયા-બીબી સાથે ટિફિન લઈને જાય અને સાથે ઘરે આવે.પછી સાંજે બંને એકબીજાના મેનેજરની વાતો કરીએ, ફિલ્ટર કૉફી પતી જાય પણ અમારી કૉફી ના પતે. 

ઑફિસમાં બહુ મજા આવતી, એક વર્ષ અને 1 મહિનો ક્યાં નીકળી ગયો ખબર જ ના રહી, ઑફિસના પોલિટિક્સમાં ભાગ લેતી થઈ ગઈ અને બસ લાઈફ ચાલી રહી હતી. અને અચાનક બધું બદલાઈ ગયું. 



એક દિવસ આવ્યો અને અમારું લેપટોપ અને આઈકાર્ડ સ્ટોર રૂમમાં ખરડાઈ ગયું. 8 વર્ષથી સતત નોકરી કરતી હું અત્યારે નવરી નાથ થઈ ગઈ છું. ફ્રીલાન્સ કરતા ડર લાગે છે અને હજુ પણ હું ફિગર આઉટ નથી કરી શકતી કે મારે શું કરવું છે !! નોકરીને જાકમજોળમાં હું પોતે શું કરવા માંગતી હતી અને શું કરું છું તે સાવ વિસરાઈ ગયું છે. આખો દિવસ વર્ષ જેટલો લાંબો છે. આજે બહુ ટાઈમે લખવા બેઠી ત્યારે એમ થઈ ગયું કે શું લખું !! છેલ્લા 2 મહિનાથી હું હસી નથી તે લખું કે પછી છેલ્લા 2 મહિનાથી હું રડી છું તે લખું!! 




ક્યારેક એમ થાય છે કે રેપિડોમાં ડ્રાઈવર બની જાઉં કે પછી ક્યારેક એમ થાય છે કે નેની બની જાઉં કે પછી એક કૂક. આવા સમયમાં પોતાના પર પ્રશ્નો વધારે થાય કે મને શું આવડે છે?? હું શેમાં સારી છું ??આ તો મને નહીં આવડે તો?? ઘણું લખવું છે પણ આજે શબ્દો નથી મળતા.


બસ આવા વિચારોના વાદળમાં જ સવાર પડે છે અને ઊંઘ એમાં ખોવાઈ જાય છે. 

બટ ધી શો મસ્ટ ગો ઓનનનનન.................................................

-ફૂલની ફોરમ


 

Comments

Popular posts from this blog

ઉંબરો

કુદરતની કરિશ્મા: કોડાઈકેનાલ

It's a rape, who will be next?? ! !