ઉંબરો
"જો ફોરમ હું તને પહેલાં જ કહી દઉં, બધા ભલે કહે કે આ મકાન મારું જ છે પણ આપણે બંને ભેગા થઈને આપણું પોતાનું ઘર બનાવીશું, જેને હું પોતાનું કહી શકું. આપણું ઘર એવું હશે કે જેમાં પગ મૂકતા વેંત જ દરેક દીવાલો આપણને બાથ ભીડી લેશે અને દરેક ખૂણામાં ફોરમ મહેકતી હશે. તને ચાલશે ને? "
" જો મીત હું તને પહેલાં જ ચોખવટ કરી દઉં. હું એવી છોકરી નથી કે જે તારી સાથે ઘર જોઈને લગ્ન કરે કે પછી જેની નજર તારી પ્રોપર્ટીમાં હોય. આપણે બંને ભણેલા છીએ, મહેનત કરીશું અને એક-એક તણખલાથી આપણો માળો બનાવીશું. બહુ બહુ તો શું થશે, થોડો મોડો બનશે એ જ ને !! પણ તું પ્લીઝ આજ પછી આવું દિલમાં કે મનમાં ન રાખતો. જ્યાં તું છે, એ જ મારું ઘર છે."
"હાઈશ ફોરમ આ એક એવી જગ્યા છે, જેને હું પોતાનું કહી શકું." દોઢ વર્ષથી અમે અમારા ઘરને ફ્રોમ ધ સ્ક્રેચ બનતા જોયું. અમારું આ ઘર એટલે મારો લવ એટ ફર્સ્ટ સાઈટ. ઘણા લોકો કહેતા હોય કે, ઘર જોવામાં તો આખું વર્ષ નીકળી જાય પણ અમારા દિલમાં શરણમ પહેલી નજરે જ વાસી ગયું હતું અને પછી બીજા કોઈ પણ જોતા હતા તે દિલમાં નહોતું ઉતરતું.

ઘર બુક કરતી વખતે ઘણું બધું ગણિત બેસાડ્યું અને હજુ પણ બેસાડી રહ્યા છીએ. અમે દોઢ વર્ષમાં આમ ઘણી બધીવાર અમદાવાદ આવીને ગયા, જેટલી વાર આવીએ આ ઘરમાં અહીંયાથી જવાનું મન ન થાય. મન જ ના ભરાય. જ્યારે બનતું હતું ત્યારે તેને પૂર્ણ થતું જોવાની બહુ તાલાવેલી હતી અને અત્યારે આ જ ઘરમાં અમે બંને અમારા ઓફિસ સેટઅપ પર કામ કરીને રહ્યા છીએ. સાચું કહું તો હજુ પણ આ એક સપનું લાગે છે.
ઘર અને મકાનમાં શું તફાવત? મકાન ચાર દીવાલોથી બને અને ઘર તેમાં રહેતા માણસોથી. આ ઘર માટે અમે છાતી ઠોકીને કહી શકીએ કે, આની એક-એક વસ્તુ અમે પસંદ કરી છે. છેલ્લે છેલ્લે જ્યારે હાર્ડવેરની દુકાનમાં અમે ઊભા હતા ત્યારે હું મીતને કહેતી હતી કે, આપણા બાળકોને કહીશું કે આ પડદાંના ડટ્ટા દેખાય છે, કેવા મસ્ત લાગે છે ને !! એ પસંદ કરવા અમે ભર બપોરે અઢળક દુકાનો ફેંદી વળી હતી. સાચું કહું પણ એમાં મજા છે. અને સૌથી બેસ્ટ વસ્તુ તો એ છે કે આ ઘર અમે ઈન્ટિરિયરને સોંપી દેવાને બદલે પોતાની સાથે જ રાખ્યું છે અને દરેક ડિઝાઈનમાં અમારો પોતાનો સ્પર્શ છે.
આ ઘરની દરેક દીવાલ પર મારી ફોરમની કલાની રેલમછેલ હશે. મારી પટલાણી મહેમાનગતિમાં કોઈ કમી નહીં રાખે. હું ઓફિસથી આવીશ અને તું દરવાજો ખોલીશ અને હું કહી દઈશ કે આજે મેનૂ શું છે !! કાલે આપણે પાછા બેંગ્લોર જઈએ છીએ પણ મને અહીંયાથી જવાનું મન નહિ થતું ફોરું, મારું તો મન જ નથી ભરાતું. તને એવું નહીં થતું? ઘર છોડીને જવું ગમશે?
"ના રે, હું ક્યાં ઘર છોડું છું. મારું ઘર તો તું જ છે, તું જ્યાં, ત્યાં મારું ઘર. અને આ માળો છોડીશું કે ત્યાં આપણો બેંગ્લોરવાળો માળો આપણી રાહ જોતો હશે. ખાસ કરીને મારા 27 છોડનો પરિવાર. પણ આ કાયમી માળા શરણમનું સ્થાન આપણા દિલમાં હંમેશ માટે અકબંધ રહેશે.
- ફૂલની ફોરમ




.jpg)
.jpg)



Comments
Post a Comment