વર્ષ 2025 તારો દિલથી આભાર

એવું લાગે છે કે જાણે આંખના પલકારામાં તો વર્ષ 2025 પૂરું થઈ ગયું. ના, પણ આ આંખ પલકારામાં 2025 કેટ કેટલું શીખવાડી ગયું અને કેટ કેટલું ભૂલાવી પણ ગયું. 


2025નું વર્ષ એટલે ભરપૂર રોલર કોસ્ટર. તું અને હું આપણે બંને આ વર્ષે સાથે જીવ્યા, હસ્યાં, રડ્યા, જમ્યા, લડ્યા અમે મન મૂકીને ફર્યા, જેમ ભોમિયો ફરે એમ. હું જયારે જાન્યુઆરી મહિનાથી લઈને અત્યાર સુધીના ફોટો જોતી હતી ત્યારે એમ થયું કે એવું લાગે છે કે 10 વર્ષની યાદો આવી ગઈ. 


આ વર્ષે આપણું સપનાનું ઘર બનાવ્યું. તારી અને મારી ડ્રિમ જોબના ઈન્ટરવ્યૂ ક્રેક કર્યા. હોટેલના બુકીંગ કે પછી કોઈ પણ આઈટનરી બનાવ્યા વગર બસ એક બેગ લઈને નીકળી પડ્યા. તને શરૂઆતમાં તો હું પાગલ લાગતી હતી કે " ફોરું, આવું થોડી હોય, પ્રોપર પ્લાનિંગ તો કરવું પડે ને યાર !! શું તું પણ !! હવે શું હાઈવે પર હોટેલ શોધવાની !! "



અને સાચે આપણે અમદાવાદથી બેંગ્લોર રોડ જર્ની કરતા હતા ત્યારે રાતના 1 વાગે આપણે હાઈવે પર હોટેલ શોધતા હતા. સાપુતારાના અંધારાભર્યા જંગલમાં ઘૂસી ગયા હતા અને હનુમાન ચાલીસા સાંભળતા સાંભળતા એ જંગલ ક્રોસ કર્યું. અને ત્યાં આપણને દેખાયો દીપડો !!! શું દ્રશ્ય હતું એ !!


હું પહેલેથી આવી જ છું. નાની-નાની વાતોમાં ખુશી શોધવાની અને મોર ઈકો-ફ્રેન્ડલી. અને બેંગ્લોર આવ્યા પછી તો હું વધારે પડતી જ એક્સ્ટ્રોવર્ટ થઈ ગઈ. આપણે 3 વર્ષ થઈ ગયા બેંગ્લોરમાં, તું જ વિચાર 2 બેગ લઈને આવ્યા હતા આપણે અને અત્યારે આખું ઘર વસાવી લીધું. 


આપણે બંને પૈસાનું મેનેજમેન્ટ કરતા શીખ્યા, રૂપિયા બચાવ્યા અને ઉડાવ્યા પણ ખરા. શોપિંગમાં ગયા અને જેટલા કપડાં લીધા એટલા જ સામે ડોનેટ કર્યા. 


આ વર્ષે હું બહુ બધું શીખી અને તું પણ એટલું જ શીખ્યો. આ વર્ષે આપણને ઘણા બધા લોકોએ એમના સાચા ચહેરા દેખાડ્યા, ઘણા પોતાના લોકોને ગુમાવ્યા અને ઘણા પારકા લોકો આપણા બની ગયા. ઘણા લોકોએ આપણો વિશ્વાસ તોડ્યો તો ઘણાએ વિશ્વાસ જીત્યો, ઘણાએ રડાવ્યા તો ઘણાએ આપણને હસાવ્યા. ઘણા લોકોએ આપણી કોપી કરી તો ઘણા લોકોએ આપણામાંથી પ્રેરણા લીધી.



ઘણા દોસ્ત ગુમાવ્યા અને ઘણા દોસ્ત બનાવ્યા, અને કદાચ આ જ તો જિંદગી છે. અને જેટલું ઈન્ટેલેકચ્યુઅલ વસ્તુઓથી ઓછો લગાવ રાખશું એટલી જ ખુશી મળશે. એકલા જ આવ્યા છીએ અને એકલા જ જઈશું આ દુનિયામાંથી. પણ આટલું મૂલ્યવાન જીવન કોને ગુમાવ્યા એના કરતા કોને મેળવ્યા એના પર વધારે ફોકસ કરીએ તો?? આપણી ઈર્ષ્યા કરતા લોકો પ્રત્યે બેધ્યાન બની જઈએ અથવા તો એ લોકો વધારે ઈર્ષ્યા કરે તેવું કરીએ !!!!!!!!!!!!!!!



આપણે બંને એકબીજાના ખાસ મિત્ર બન્યા અને આગળ પણ રહીશું. તને કઈ પણ જરૂર હશે તો મારા શબ્દો તને મળી રહેશે,”  હું છું ને ! “ આ વર્ષે મેં તને તારી જાતને પ્રેમ કરતા શીખવ્યો, આ આ પ્રેમ તે બહુ સારી રીતે નિભાવ્યો. તને હું મારું સનસ્ક્રીન અને મારા ક્રીમ, મારા શેમ્પૂ અને કંડિશનર વાપરતા જોવું, મારી જેમ નાઈટ રૂટિન કરતા જોવું ત્યારે હું ખુશ થઈ જાઉં. અને કદાચ આ જ મારા માટે પ્રેમ છે તારા માટે.


વર્ષ 2025 એ આપણને ઘણું શીખવ્યું, ચલ આ વર્ષના પાઠ લઈને આગળ વધીએ અને જે આપણી પાસે જે તેનો આભાર માનીને મન ભરીને નહીં પણ મન મૂકીને જીવીએ. 



- ફૂલની ફોરમ




Comments

Popular posts from this blog

ઉંબરો

કુદરતની કરિશ્મા: કોડાઈકેનાલ

It's a rape, who will be next?? ! !