તું, હું અને ઋષિકેશ



"ફોરમ, તને પહાડ ગમે કે દરિયો?"

"યાર, મીત આ પ્રશ્ન તો મીત ગમે કે મીત? આના જેવો છે...મને બંને ગમે પણ જેમાં તું સાથે હોય એ સૌથી વધારે ગમે."


ઉત્તરાખંડ એટલે ભગવાનની નગરી કે જ્યાં દરેક ગલીમાં તમને આનંદ જ આવે, તમે હસવા ના ઇચ્છતા હો તો તેમ છતાં અહીં રહેતા લોકોના ચહેરાને જોઈને તમે આપોઆપ મલકાઈ જાઓ.


ગયા વર્ષે અમારે ઉત્તરાખંડ મીતના દોસ્ત મોહિતના મેરેજ માટે જવાનું થયું હતું. એપ્રિલ મહિનામાં ત્યાં વરસાદ જોયો અને હાડ થીજવી દે તેવી ઠંડી, પણ ખબર નહીં અમે બંને ત્યાં એક પ્રોમિસ કરીને આવ્યા હતા કે ફોરમ કઈ પણ થાય દર વર્ષે આપણે ઉત્તરાખંડ આવીશું અને બસ અહીંના થઈને રહીશું.

હું મારો તુંગનાથ-ચંદ્રશિલા ટ્રેક પૂરો કરીને આવી ત્યાં મીતે મને ઋષિકેશમાં સરપ્રાઈઝ આપી. પહેલાં તો મને એમ થયું કે 7 દિવસથી મીતને જોયો નથી એટલે મને આભાસ થાય છે કે શું! કેમ કે એરપોર્ટ પર મેં એકવાર પાછું ફરીને જોયું હતું , મને એમ કે મીતે મને બૂમ પાડી.  


મા ગંગાને કિનારે બહુ જ મસ્ત સ્ટે મળી ગયો કે જેની બારીમાંથી 24 કલાક અમને મા ગંગાનો અવાજ સંભળાય છે. મીતે 2 દિવસ વર્ક ફ્રોમ ઋષિકેશ કર્યું અને હું એ કામ કરે ત્યારે ઋષિકેશને જોવા મારા રેન્ટ પર લીધેલા એક્ટિવા પર નીકળી પડતી.


ઋષિકેશની ગલીઓમાં ભોમિયાની જેમ ફરતી વખતે મને સમજાયું કે આ શહેરમાં કોઈને કોઈ જ ઉતાવળ નથી. કોઈ ઓવરટેક નથી કરતું. દુકાનવાળા શાંતિથી દુકાન ખોલે છે, સાફ કરે છે..આજુબાજુવાળા સાથે ચા પીવે છે. આ શહેરમાં બહારથી ફરવા આવતા લોકોને બહુ ઉતાવળ છે. એ લોકોના હોર્ન સાંભળીને મને પાછું બેંગ્લોર યાદ આવી જાય છે. 


ઋષિકેશના માર્કેટમાં ફરવાની મને એટલી મજા આવી કે અમારે એક બીજી નાની બેગ લેવી પડી. મને ખાદીના કપડાં અંતરમાં વ્હાલા. યોગ માટે સ્કિન ટાઇટ કપડાં પહેરવામાં મને કોઈ રસ નથી મને તો છે ખાદીનો ઝભ્ભો અને નીચે ધોતી પહેરવામાં રસ. ઋષિકેશના માર્કેટમાં બધા દુકાનવાળા તમને પ્રેમથી બોલાવશે, આવો મેડમ, બોલિએ ક્યાં લોગે? હમારે પાસ સબ હૈ...અને એ જ ઘડીએ મેં મનમાં વિચાર્યું કે, સાચે તમારી પાસે બધું જ છે. ઋષિઓની નગરીમાં રહો છો તમે આનાથી વધારે શું જોઈએ??

હર કી પૌડી

હું અને મીત બનારસ ગયા હતા ત્યારે પણ અમે કલાકોના કલાકો મા ગંગા સામે બેઠા રહ્યા હતા. અમે બંને ચૂપ હતા અને કદાચ અમારું મૌન જ વાત કરતું હતું.  ઋષિકેશમાં અમે 3 દિવસ રહ્યા અને આ 3 દિવસ રોજ અમે અલગ-અલગ જગ્યાએ ગંગા આરતી જોઈ અને કરી. મીત જેવું લેપટોપ બંધ કરે કે તરત અમે ભાગતા ભાગતા ગંગા કિનારે પહોંચી જતા અને આગળ બેસતા. આરતી વખતે મા ગંગાનું વહેણ ધીમું પડી જાય છે તે મેં મમ્મી પાસેથી સાંભળ્યું હતું પણ ત્યાં મેં જોઈ પણ લીધું. પ્રથમ દિવસ ત્રિવેણી ઘાટ, બીજા દિવસે હરિદ્વારમાં હર કી પૌડી અને ત્રીજા દિવસે શત્રુઘ્ન ઘાટ. 

ત્રિવેણી ઘાટ 

શત્રુઘ્ન ઘાટ 

મીત આની પહેલાં ઋષિકેશ આવ્યો હતો ત્યારે તેણે રિવર રાફ્ટિંગ કર્યું હતું પણ તે પાણીમાં નહોતો પડ્યો કેમ કે એને ડર લાગતો હતો થોડો. પણ આ વખતે તો તેણે પહેલાં જ વિચારી લીધું હતું કે ફોરમ હું તો પડીશ મા ગંગામાં. આ વખતે તો મારે ડૂબકી લગાવી જ છે. આ ડૂબકી મેં પહેલાં મારી અને પછી એ પણ આવી ગયો. એટલું ઠંડુ પાણી અને ઘસમસ્તા ધોધમાં ખાલી એક જ હાથથી દોરડું પકડવાનું. પાણીમાં ડૂબકી માર્યા પછી મેં મારુ શરીર સાવ વહેતુ મૂકી દીધું આંખો બંધ કરી અને બોલી, હર હર ગંગે. રિવર રાફ્ટિંગ વખતે મેં અમારા લીડરને પૂછ્યું કે આની ઊંડાઈ કેટલી હશે. તો એણે કીધું કે મેડમ, જો ભી નાપને કે લિએ અંદર જાતા હૈ વો ફિર વાપિસ નહીં આતા, વો સીધા સ્વર્ગ મેં મિલતા હૈ !!! 


હું મારા ટ્રેક માટે થોડો નાસ્તો લઇ ગઈ હતી. આ નાસ્તો તો પૂરો ના થયો એટલે મેં વિચાર્યું જે એ હું કોઈ જરૂરિયાતમંદને આપતી જઈશ. છેલ્લા દિવસે અમે કૅબમાં દહેરાદૂન એરપોર્ટ જતા હતા ત્યારે એક સાધુ બેઠા હતા. હું કારનો જમણી બાજુનો દરવાજો ખોલીને ઊતરી અને મેં એમને મારી થેલી આપીને કહ્યું કે, ઈસમે બિસ્કિટ ઔર કુછ ખાના હૈ. એમની સ્માઈલ જોઈને મને એમ થઈ ગયું કે, આટલું સંતોષી કોઈ કઈ રીતે હોય શકે યાર!! ઋષિકેશના દરેક સાધુ અને ઋષિમાં મને ભગવાન શિવનું સ્વરૂપ દેખાતું હતું. ધન્ય છે આ સાધુઓની નગરી, ધન્ય છે ઋષિકેશ!!!


વર્ષ 2025ના અમારા લૉન્ગ ટર્મ પ્લાનમાં ઑલરેડી ઉત્તરાખંડનું નામ આવી ગયું છે. અત્યારે જ્યારે હું બેંગ્લોરમાં બેઠી-બેઠી આ લખું છું ત્યારે મારી સામે ઋષિકેશનું ફ્લૅશબૅક સામે આવી ગયું. ફરી ક્યારે પાછા ઋષિકેશ જઈશું !!??


-ફૂલની ફોરમ


















Comments

Post a Comment

Popular posts from this blog

કુદરતની કરિશ્મા: કોડાઈકેનાલ

હિમાલયના ખોળામાં

પ્રકૃતિ સાથે ગુફ્તગુ