હિમાલયના ખોળામાં

"પહાડ તમને જે શીખવે છે, તે બીજું કોઈ ના શીખવી શકે"
ડિસેમ્બર મહિનામાં બધાના પ્લાન થતા હોય કે ચાલને રજાઓ લઈને ક્યાંક મસ્ત ફરવા જાઉં, આજકાલની ભાષામાં આપણે તેને બ્રેક કહીએ છીએ. સાચું કહું તો જીવનમાં સાચા ટાઈમ પર બ્રેક લેવો ખૂબ જ જરૂરી છે. હવે તમે જ વિચારો તમને એક બાઈક આપી દીધું અને તેમાં બ્રેક જ નથી તો? તમે ચલાવશો તો ખરા પણ તમે બ્રેક જ નહીં મારી શકો અને બસ ગાંડરિયા પ્રવાહની જેમ રોજ એકની એક જ વસ્તુ કર્યા કરશો.
મારો બ્રેક એટલે મારો સોલો ટ્રેક- તુંગનાથ મંદિર અને ચંદ્રશિલા ટ્રેક. સોલો એટલે એકલા જવું એમ નથી થતું પણ સોલો એટલે તમે તમારી જાત સાથે જાઓ છો. તમે એકલા નથી પણ તમે તમારી પોતાની જ સાથે છો. જે માણસને પોતાની જ કંપનીમાં ક્યારેય કંટાળો ન આવે તો સમજી લેવું તે જીવનમાં કઈ પણ કરી શકે છે.
તુંગનાથના પર્વતો વચ્ચે આવેલ આ મંદિરના નિર્માણ અંગે અનેક લોકવાયકા પ્રચલિત છે. પહેલી વાત એ કે માતા પાર્વતીએ ભોળાનાથને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે અહીં તપસ્યા કરી હતી. કહેવાય છે કે અહીં નંદીના રૂપમાં ભોળેનાથ ભગવાનના હાથ દેખાય છે. ત્યારબાદ પાંડવોએ અહીં ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે મંદિર બંધાવ્યું હતું. આ મંદિરના નામમાં ‘તુંગ’ એટલે ‘હાથ’ અને ‘નાથ’ એટલે ભગવાન શંકર. બોલો, હર હર મહાદેવ.....હર હર મહાદેવ...હર હર મહાદેવ.....!!!
આ ટ્રેક માટે મારું કોઈ 6 મહિના પહેલાથી પ્લાનિંગ નહોતું ચાલતું કે હું કોઈ સેવિંગ કરતી નહોતી. અચાનક સાંજે મેં મીતને કીધું, "મારે ટ્રેક પર જવું છે." આ ટ્રેક માટે મેં મીતને પહેલેથી જ કહી દીધું હતું કે, જો ફ્લાઇટ ટિકિટ, ટ્રેકિંગ ફી અને બીજું બધું અરચુરણ-પરચુરણ...આ બધાના પૈસા હું જ કાઢીશ....યાર, હું જોબ કરું છું તો પોતાના માટે આટલા રૂપિયા તો વાપરી જ શકું ને, અને ભગવાનની દયાથી એટલું બેલેન્સ પણ હતું તો કોઈ વાંધો ના આવ્યો !!!!
ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે અમે બંનેએ બહુ ઓછા પર્વતો ચડ્યા છે. મીતને રજાનું સેટિંગ થાય એમ નહોતું અને મારા નસીબ એટલા બધા સારા છે કે મારી બધી રજાઓ ડિસેમ્બરમાં જ કોલેપ્સ થઈ જાય છે, એક પણ રજા કૅરી ફોરવર્ડ થતી નથી અને બધી એમ જ બાતલ થઈ જાય. હું દહેરાદૂન જવા માટે બેંગ્લોર એરપોર્ટ પર બેઠી હતી ત્યાં સુધી પણ મારી કોઈ રજાઓ અપ્રૂવ નહોતી થઈ અને મેં કઈ પાછું વળીને પણ જોયું જ નહીં, "શિવજી જોડે જાઉં છું જે થશે તે જોયું જાશે" એમ જ બોલતી રહી. કંપનીને તમારું સર્વસ્વ ના આપી દો, યાદ રાખો કે જોબ ઈઝ પાર્ટ ઓફ યોર લાઈફ, નોટ યોર લાઈફ.
સોલો ટ્રેકની શરૂઆત ઘરેથી નીકળી ત્યારથી જ થઈ ગઈ. મારા કરતાં તો મોટું મારુ ટ્રેકિંગ બેગ હતું. બે બેગ અને એક સાઈડ પર્સ આ બધું સંભાળતા-સંભાળતા  હું એરપોર્ટ પહોંચી. મારી સાથે ટેક્સીમાં એક છોકરો હતો તે પણ ઉત્તરાખંડ ટ્રેકિંગમાં જ જતો હતો. આ અજાણ્યા મિત્રએ મને ટ્રેક વિશે ઘણી બધી સારી વાતો કહી. જે થોડો-થોડો ડર લાગતો હતો કે હું સમિટ કરી શકીશ કે નહીં તે હવે ઘણો ઓછો થઈ ગયો હતો.
પાંચ દિવસના ટ્રેકિંગમાં મારી આજુબાજુ માણસો ઓછા અને પહાડો વધારે હતા. પાંચ દિવસ ટ્રેકમાં અને બાકીના 3 દિવસ ઋષિકેશમાં. અજાણી જગ્યા, અજાણ્યા લોકો, અજાણ્યા રસ્તા..પણ સાચું કહું ઉત્તરાખંડની વાત જ કંઈક અલગ છે. મેં જેવો દહેરાદૂન એરપોર્ટ પર પગ મૂક્યો કે તરત મારા શરીરમાં એક અલગ જ પ્રકારની વીજળી વહી ગઈ. આ શું હતું મને નથી ખબર પણ જે પણ હતું તે અલૌકિક હતું.
ટ્રેકિંગ માટે ફિટનેસ જોઈએ અને બીજું આત્મવિશ્વાસ. આ બંને મારા સાથે હતું. ધીમે-ધીમે કરીને અમે એક-એક પહાડ સર કરતા ગયા. આ પાંચ દિવસ હું જે પણ જમી છું તેવી સ્વાદ મને ફરીથી ક્યાંય નહીં મળે. મને જેમણે માઇનસ 5ની ઠંડીમાં ગરમ-ગરમ રોટલી ખવડાવી તે બધાને મારુ દિલથી થેંક્યુ. હું ચા નથી પીતી પણ આ દિવસોમાં તો મેં એટલી ચા પીધી હશે કે મારા શરીરમાં લોહી ઓછું અને ચા વધારે હશે. જ્યારે પણ મારી સામે ડિશમાં જમવાનું આવે ત્યારે પહેલાં તો હું મારી ગ્રેટિટયૂડ પ્રાર્થના કરતી. જે લોકો ઘરની બહાર નીકળીને ઘરના સ્વાદનું જમવાનું શોધતા હોય છે તેમને મારે એટલું જ કહેવું છે..જે પણ મળે છે તેનો આભાર માનો.જમવાનું કોસતા લોકોને એ પણ નહીં ખબર હોય કે  3000થી 4000 મીટરની ઊંચાઈ રસોઈની સામગ્રીઓ આવે કઈ રીતે છે !! અને જો એટલું જ હોય તો ઘરે રહેવાનું. ખાધા રાખો ઘરે 3 ટાઈમ, જેવો ટેસ્ટ જોઈએ એવો મળશે. 
પહાડ પર આવવા માટે ડિસિપ્લિન જોઈએ, અહીં તમારી મનમાની ન ચાલે. વહેલા ઉઠવાનું, પાણી ઓછું વાપરવાનું. ઠંડી-ગરમી સહન કરવાની!! જો તમે પહાડને સ્વીકારશો અને તેની અડચણોને પડકારશો તો પહાડ તમને બધે જ સાથ આપશે. તમને શ્વાસ ચડશે ત્યારે તમને કાનમાં એવો અવાજ પણ સંભળાશે, કોઈ વાંધો નહીં. થોડો થાક ખાઈ લે, પણ હાર ના માન. 
ચંદ્રશિલાની પીક એટલે કે 4000 મીટર અને 13,000 ફુટ (આશરે 1300 માળનો ફ્લેટ) પર પહોંચ્યા પહેલાં હું રસ્તામાં બે વાર રડી પડી હતી અને બરફમાં સ્લીપ પણ થઈ ગઈ હતી. એક સમય એવો આવી ગયો હતો કે મારા ધબકારા એટલા જોરથી ધડકતા હતા કે મને લાગતું હતું કે મારુ હૃદય બહાર આવી જશે. એકવાર માટે એમ થઈ ગયું કે હું તુંગનાથ મંદિરે જ બેસી જાઉં. ચંદ્રશિલાની પીક પર મારાથી નહિ પહોંચાય. મારે સૂર્યાસ્ત નથી જોવો મારે પણ અહીંયા જ બેસી જવું છે. પણ પછી મારા દિલે કીધું કે, જો હિમાલયનો સૂર્યાસ્ત નહીં જોવે તો આખી જિંદગી તને એક અફસોસ રહી જશે કે હું માત્ર 40 મિનિટ જ દૂર હતી. જેમ-તેમ હિંમત ભેગી કરીને અને એક સફરજન ખાઈને હું ચડી ગઈ. હા, હું ચડી ગઈ. સૂર્યાસ્ત થઈ ગયો હતો પણ મારું નસીબ એટલું સારું હતું કે પર્વતોની આજુબાજુ બહુ જ બધા વાદળો હતા એટલે હું ચડી એની 10 મિનિટ પછી સૂર્યના સોનેરી કિરણો આંખમાં પડ્યા. મેં સૂર્યના કિરણો ચહેરા પર પડે તેમ સેલ્ફી લીધી અને સાચે હું મારા પોતાના જ પ્રેમમાં પડી ગઈ. કોઈ મેકઅપ નહીં કોઈ લિપસ્ટિક નહીં... ખાલી આંખમાં કાજલ અને મોઢે ચોપડેલું વેસેલિન. તો પણ અદભૂત સુંદર લાગતી હતી હું !!

પર્વતો આપણને શું શીખવે છે? 
1. જીવનમાં ક્યારેય હાર ના માનો, થાકી ગયા છો તો બેસી જાઓ પણ ક્યારેય ત્યાંથી પાછા ના વળો. થોડો બ્રેક લો અને પછી ફરીથી આગળ ચાલવાનું શરૂ કરો.
2. એકવાર ચાલુ કર્યું પછી પાછું વળીને ના જોવો.
3. તમારા બધા નિર્ણયોનું જોખમ તમારા હાથમાં જ છે. 
4. કમ્ફર્ટ ઝોનની બહાર આવીને જેવી સ્થિતિ છે, જેવું ભોજન છે, જેવું વાતાવરણ છે, જેવો લોકો છે, તે બધામાં એડજસ્ટ થતા શીખો, નહિ તો એકલા રહી જશો.

છેલ્લે હું એટલું જ કહીશ કે, તમારા રૂપિયા મટિરિયલ ખરીદવા પાછળ વાપરવા કરતાં અનુભવો અને દુનિયાને એક્સપ્લોર કરવા માટે વાપરો. દુનિયા ફરવા માટે વધુ રૂપિયા કમાશો અને ખર્ચશો તો વધુ આનંદ થશે. કોઈ જંગલમાં દિવસ પસાર કરવા માટે, કોઈ પર્વત ચડવા માટે, તમારા ચહેરા પર પર્વતોની હવાને સ્પર્શવા માટે તમારો સમય અને તમારા રૂપિયા ખર્ચ કરો. કુદરત સાવ ફ્રી છે, મોંઘા ખાલી આપણે જ છીએ.

-ફૂલની ફોરમ

 












  

Comments

Post a Comment

Popular posts from this blog

કુદરતની કરિશ્મા: કોડાઈકેનાલ

પ્રકૃતિ સાથે ગુફ્તગુ