ઘર : એક-એક તણખલાથી બનાવેલો માળો

આજે સવારે અલાર્મ વગર જ આંખ ખૂલી ગઈ કેમ કે આજે એક મિશન પર જવાનું હતું, છેલ્લા 5 મહિનાથી લાઈફ એકદમ મોનોટોનસ થઈ ગઈ હતી. આજે છેક મને થોડી ઘણી રાહત મળી છે અને એમાં પણ મેં એક જ દિવસમાં મિશન પૂરું કરી દીધું. મિશન હતું ઘરમાંથી વધારાની પસ્તી અને ભંગારને કાઢવાનું. અને કસમથી કહું છું, 7 પોટલાં ભરીને નીચે પાર્કિંગમાં મૂકીને મેં ઘરમાં પગ મૂક્યો ત્યારે મને જે આનંદ થયો હતો તે અવર્ણનીય છે.

મારી મમ્મી મને હંમેશાં કહે કે, ફોરું ઘર જ આપણું મંદિર છે. જ્યાં અઘોચર હોય ને ત્યાં લક્ષ્મી ક્યારેય ના આવે. ઉકરડામાં તો પ્રાણીઓ પણ ના રહે તો આપણે તો માણસ છીએ!.'મોરના ઈંડા ચીતરવા ના પડે' એમ મારું પણ આવું જ કઈંક છે. મને એક વસ્તુ આમતેમ પડી હોય તો મજા ન આવે. છેલ્લા 5 મહિનાથી હું રોજ રાત્રે ભણતી હોવાથી હમણાં મેં ઘર સામે એટલું જોયું નહોતું. 

નોર્મલી લોકો વીકેન્ડના દિવસે આરામ કરે પણ મારુ ઊંધું છે હું વીકેન્ડના દિવસે હું 2 કલાક મસ્ત ઘર સાફ કરું, બેકગ્રાઉન્ડમાં નવરાત્રીના ગરબા વાગતા હોય કાં તો પછી રફી કે મુકેશ કુમારના ગીતો. રોજ સવારે યોગ કર્યા પછી મારું પહેલું કામ સાવરણી પકડવાનું હોય. 

મીત અને મારે ઘણી વાર બોલવાનું થઈ જાય કે શું રોજ રોજ સાફ કરે છે તું! ક્યારેક વધારે ઑફિસનું કામ હોય ત્યારે ચાલે. એને પણ ખબર છે કે આ બાબતમાં હું કઈ માનવાની નથી. અમારે બેંગ્લોરના ઘરમાં દોઢ વર્ષ થઈ ગયા. હમણાં હું ફોનમાં જૂના ફોટા જોતી હતી તો મને એમ થયું કે એક ખોખું હતું જેમાં અમે બંને 4 બેગ લઈને રહેવા આવ્યા હતા અને આજે આ ઘરના દરેક ખૂણામાંથી ફોરમ મહેકે છે. 

શરૂઆતમાં અમારા ઑનરના ઘરે કામ કરવા આવતા માસી રોજ અમારા ઘરમાં આંટો મારવા આવતા. એ આવે અને ગેલેરી જોઈને જતા રહે. મને કન્નડ આવડતું નથી અને એમને ગુજરાતી સમજાતું નથી. તો એમણે મને એક્શન કરીને કીધું હતું, ઘર એકદમ ક્લીન, એકદમ સુપર! હું સમજી ગઈ અને મનોમન મલકાઈ પણ લીધું.

મને પેન્ટિંગનો જબરો શોખ. મેં મારી હોસ્ટેલમાં પણ પહેલા જ દિવસે દીવાલ રંગી હતી અને અહીંયા પણ એવું જ થયું. પહેલાં એક દીવાલ પછી બે અને પછી 3. આ ઘરના એક-એક ખૂણામાં કઈંકને કઈંક તો મળી જ જશે. મારે વર્ક ફ્રોમ હોમ છે એટલે 9 થી 6 આ ઘર મારી ઑફિસ બની જાય છે અને રાત્રે ફરીથી ઘર.

અત્યાર સુધી મેં ઘણી બધી વખત ઘર-ઘર બોલી લીધું પણ આ ઘર કોને કહેવાય? ઘર એટલે ફ્લેટ, ટેનામેન્ટ,રો-હાઉસ કે બંગલો? આ તમે જે નામથી ઓળખો છો એ ખાલી મકાનના નામ છે. ઘર તેમાં રહેતા લોકોથી બને. તમારા સંસ્કારની ઝલક તમને ઘરમાં દેખાય. ઘર ભાડે છે કે પોતાનું, એ જરૂરી નથી, ઘર એવું હોવું જોઈએ કે તેના દરેક ખૂણામાં તમને પોતીકું લાગે. તમે જ્યારે પગ મૂકો ત્યારે તમને કોઈ આવકારો આપતું હોય તેવું લાગવું જોઈએ. ઘર એક એવી ફીલિંગ છે જેના માટે શબ્દો ઓછા પડે.

આજકાલ જ્યારે છોકરા-છોકરીના સંબંધની વાતો ચાલતી હોય ત્યારે ઘર વચ્ચે આવે છે, પ્રોપર્ટી વચ્ચે આવે છે, જમીન વચ્ચે આવે છે. આમાં કોઈનો વાંક પણ નથી પણ એક માનસિકતા થઈ ગઈ છે તે ચાલી રહી છે. "આ છોકરા સાથે તો બંગલો છે એટલે મારી છોકરી સુખી રહેશે." આવું મેં ઘણા લોકોને બોલતા સાંભળ્યા છે. મને યાદ છે હજુ પણ કે મેં મીતને ક્યારેય પૂછ્યું નહોતું કે તારી પાસે ઘર છે? તારી પાસે જમીન છે? હમણાં થોડો સમય પહેલાં એણે અચાનક મને પૂછ્યું કે, તે કેમ મને આવા પ્રશ્નો નહોતા કર્યા? બધી છોકરીઓ તો આવું જ પૂછતી હોય છે.!! મેં કહ્યું, 'ના પૂછ્યું કેમ કે યુ આર માય હોમ!'

હું ગર્વથી કહું છું કે મેં કોઈ કામવાળા નથી રાખ્યા કે ના કોઈ રસોઈયો રાખ્યો છે! અહીં આ બંને રાખવાનો જબરો ક્રેઝ છે. મારા માટે ઘર સાફ કરવું, તેના દરેક ખૂણામાં કંઈક ગોઠવવું આ એક મારા માટે સાધના જેવું છે. જો કે, ઘર અને નોકરી બંને સંભાળવું એ સહેલું નથી!! બાકી બે લોકોમાં પણ એટલું જ કામ હોય, જેટલું કામ 4 લોકો માટે હોય!!

પોતાનું કામ જાતે કરવામાં શેની શરમ? હું તે છોકરી છું જેને મેગી અને ચા બનાવ્યા સિવાય કઈ નહોતું આવડતું અને આજે તો હું નિપુણ બની ગઈ છું, મીત એ મને 'હેડ શેફ' ટાઇટલ આપ્યું છે. આ વાતનો ક્રેડિટ મીતને પણ જાય છે, કોઈ નવા અખતરા કરું તો એ કઈ જ બોલતો નથી. 

ક્યારેક મીઠું ના હોય તો પણ બોલશે નહીં અને એવું પૂછશોને ફોરમના હાથનું શું ભાવે છે? તો એ કહેશે, શું નથી ભાવતું એમ બોલો ! પહેલીવાર ખાંડવી બનાવી હોય કે, દાલ બાટી, વ્હાઇટ સોસ પાસ્તા કે પછી પાણીપુરી! પાણીપુરી પરથી યાદ આવ્યું, કે અમારા ઘરે કોઈ પણ આવે તો ફિક્સ મેનૂ છે પાણીપુરી. મારા હાથની પાણીપુરી ફેમસ છે હો!!! શું ખબર હું અને મીત કોર્પોરેટમાંથી સન્યાસ લઈને પાણીપુરી વેચવાનું ચાલુ કરી દઈએ !!!! કોઈ ટેક્સ નહીં અને ચોખ્ખો નફો!

ક્યારેક ક્યારેક હજુ પણ હું વિચારું કે, આટલી ચોખલી, આટલી જવાબદાર મને કોણે બનાવી ! જવાબ છે બેંગ્લોર! અહીં આઝાદી છે તો સામે જવાબદારી પણ છે, કોઈ રોકટોક નથી ખાલી મીઠા ઝઘડા છે. 

સાચું કહું તો, બહુ હાય-હાય કરીને કંઈ મળવાનું નથી. જે છે એમાં જ જીવી લો. બેંગ્લોર આવો તો ચોક્કસ અમારા ઘરે આવજો. અને હા, અમારા ઘરે સોફા નથી પણ અમારા બંનેનો આવકારો તેનાથી પણ સારો છે!!

-ફૂલની ફોરમ


Comments

Post a Comment

Popular posts from this blog

કુદરતની કરિશ્મા: કોડાઈકેનાલ

હિમાલયના ખોળામાં

પ્રકૃતિ સાથે ગુફ્તગુ