પ્રેમમાં છો, તો પ્રેમને માણો

આજે વસંતપંચમી અને વેલેન્ટાઇન ડેનો અનોખો સંગમ છે. હેપી વેલેન્ટાઇન ડે અને શુભ વસંતપંચમી! પ્રેમમાં પડવું અઘરું નથી. પ્રેમ નિભાવવો સહેલો નથી. હવે સોસાયટીમાં અગાઉ કરતાં પ્રેમને વધુ સ્વીકૃતિ મળવા લાગી છે પણ સાચો પ્રેમ કરે છે કેટલા? પ્રેમમાં અપ-ડાઉન ભલે આવે પણ પ્રેમ સુકાઈ જવો ન જોઇએ!

પ્રેમ પહેલી નજરે પણ થઈ જાય છે અને ક્યારેક આખી જિંદગી નજર સામે હોય તો પણ થઈ શકતો નથી. પ્રેમ છે તો માત્ર અઢી જ અક્ષરનો પણ આ અઢી અક્ષર પર કેટ-કેટલું ટકેલું છે. આજકાલ વેલેન્ટાઇન ડે માત્ર પ્રેમી-પંખીડાનો જ તહેવાર એવું બની ગયું છે. હું તો કહું છું પ્રેમ એ કોઈ વ્યક્તિ નહીં પણ શોખ કે વસ્તુ કે દિવસ સાથે પણ થાય છે. હું મીતને જોઈને જેટલી ખુશ થાઉં છું એટલી જ ખુશ મારા પુસ્તક, સ્કેચ બુક અને કલરના ઢગલાને જોઈને થવું છું. 


પ્રેમ માણસમાં એક ઝનૂન લાવે છે. પોતાની વ્યક્તિ માટે ગમે તે કરી છૂટવાનું ઝનૂન. કંઈ પણ થાય, ભલે આખી દુનિયા દુશ્મન થઇ જાય, જે થવું હોય એ થાય પણ મને તું જોઇએ! પ્રેમમાં પડવું બહુ સહેલું છે પણ પ્રેમ નિભાવવો બહુ અઘરો બનતો જાય છે. એકબીજાને આદર આપવો, એકબીજાનું સન્માન જાળવવું એ સૌથી વધુ જરૂરી બન્યું છે. પ્રેમમાં થોડાક સમયમાં જ સુકારો લાગવા માંડે છે. 

તું તારા રસ્તે અને હું મારા રસ્તે એમ કહી દેવું બહુ સહેલું છે. રસ્તો જ્યારે તારો કે મારો નહીં પણ આપણો હોય ત્યારે જ મંઝિલ તરફ પ્રયાણ કરી શકાય છે. સવાલ એ પણ છે કે, આખરે થોડા જ સમયમાં પ્રેમરસ ખૂટી કેમ જાય છે? પ્રેમમાં અપેક્ષા ન હોવી જોઇએ એવું કહેવાતું રહ્યું છે. જોકે, આ વાત તદ્દન ખોટી છે. પ્રેમમાં અપેક્ષાઓ તો રહેવાની જ છે. મારી વ્યક્તિ મારું ધ્યાન રાખે, મારી કૅર કરે, મને પેમ્પર કરે એવાં અરમાન દરેક વ્યક્તિનાં હોય છે. અપેક્ષા રાખવામાં કંઇ વાંધો હોતો નથી, અપેક્ષા એવી ન હોવી જોઇએ કે પોતાની વ્યક્તિ સંતોષી ન શકે.

આજના સમયમાં બીજો સૌથી મોટો ઇશ્યૂ કમિટમેન્ટનો છે. વફાદારી અને જવાબદારી જો હોય તો પ્રેમમાં ઓટ આવતી નથી. સંબંધોનું પોત પાતળું ન પડી જાય એ માટે સ્નેહ ઘટ્ટ રાખવો પડતો હોય છે. ભૂલો થવાની, ઝઘડા થવાના, ગેરસમજ પણ થવાની જ છે, યાદ માત્ર એટલું રાખવાનું હોય છે કે, ગમે એવી છે પણ મારી વ્યક્તિ છે. કોઇ માણસ સંપૂર્ણ હોતો નથી, કોઇ માણસ પરફેક્ટ હોતો નથી, બે વ્યક્તિએ સાથે મળીને પ્રેમને પરફેક્ટ બનાવવાનો હોય છે. એકબીજાને સમય આપો, એકબીજાની વાત સાંભળો અને સૌથી વધુ તો એકબીજાને ફીલ કરો.


આપણે ઘણી વખત જે વ્યક્તિ આપણી સૌથી નજીક હોય એની સાથે જ ઝઘડતા હોઇએ છીએ અથવા તો તેને ઇગ્નોર કરતા હોઇએ છીએ. માત્ર એક વખત એવો વિચાર કરી જોવાનો કે એ વ્યક્તિ ન હોય તો? આપણને ઘણી વખત જે હોય છે એની કદર નથી હોતી. પોતાની વ્યક્તિ પર શ્રદ્ધા હોવી જોઇએ. અત્યારે થાય છે એવું કે, દરેકને એવી વ્યક્તિ જોઇએ છે જે એને પ્રેમ કરે, આવી અપેક્ષા રાખતા પહેલાં માત્ર એટલું વિચારવાનું હોય છે કે, હું જે ઇચ્છું છું એ શું હું સાચા અર્થમાં આપું છું? 

પ્રેમ મેળવવા માટે પ્રેમ આપવાની તૈયારી રાખો. પ્રેમ માત્ર વાતો કરવાથી કે દેખાડો કરવાથી વર્તાતો નથી, પ્રેમ તો અનુભવાતો હોય છે. પ્રેમની અનુભૂતિ ત્યારે જ થાય જ્યારે બંને બાકીની બધી બાબતો બાજુએ મૂકીને એકમેકમાં ઓતપ્રોત હોય! પ્રેમમાં છો, તો પ્રેમને માણો. પ્રેમને માણી જાણે એ જ સાચા પ્રેમીઓ હોય છે! બાકી તો તમને ખબર જ છે, મારે શું કહેવું!?

"હું તો તારા એક ચપટી પ્રેમમાં પણ ખુશ છું, 

મેં ક્યાં કદી માંગ્યો છે ખોબો ભરીને....પ્રેમ?"

-ફૂલની ફોરમ 

Comments

Popular posts from this blog

કુદરતની કરિશ્મા: કોડાઈકેનાલ

હિમાલયના ખોળામાં

પ્રકૃતિ સાથે ગુફ્તગુ