ક્રિકેટ : ઔર જીને કો ક્યાં ચાહિએ!

ક્રિકેટ...ક્રિકેટ...ક્રિકેટ એટલે ઘણું બધું અને ક્રિકેટ એટલે કઈ જ નહીં. ક્રિકેટ કોઈ ગેમ નથી પણ આ એક ફીલિંગ છે. ટુ બી હોનેસ્ટ, મને ક્રિકેટમાં એટલો બધો રસ નહોતો. હા, ટીવી ચાલુ હોય તો ક્યારેક જોઈ લઉં એમ. પણ મેરેજ પછી તો મને ક્રિકેટની એ..બી..સી..ડી આવડી ગઈ છે. સાચું કહું તો મીતનો પહેલો પ્રેમ તો ક્રિકેટ છે અને મારે તેના પહેલા પ્રેમની જગ્યા ક્યારેય લેવી પણ નથી. આ બ્લોગ લખવાનું કારણ એક માત્ર કે હું ક્રિકેટને બહુ નજીકથી જોઈને આવી છું. ક્રિકેટ માટેનું ઝુનૂન મેં ગ્રાઉન્ડ પર હાજર દરેક પ્લેયરની આંખમાં જોયું છે, આ એવું ઝુનૂન છે જેની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી.

ઇન્ટેલ કંપનીની ક્રિકેટ ટુર્નામેન્ટ હતી અને મીતે મને ઘણા દિવસ પહેલેથી કહીને રાખ્યું હતું કે, "ફોરમ આવજે ને જોવા, ક્યારેક તો તું મને જો બોલિંગ કરતા." હજુ આ વીકમાં જ અમે ઘરેથી આવ્યા અને વીકેન્ડની સવારે જ મેં ટુ ડુ લિસ્ટમાં 20 વસ્તુઓ લખી, પણ મીતના એક ફોનથી હું ટુ ડુ લિસ્ટને ભૂલીને ગ્રાઉન્ડ પર પહોંચી ગઈ. ગ્રાઉન્ડ તો બાપરે બેંગ્લોરના છેવાડેએ હોય એવું લાગ્યું પણ જગ્યા બહુ મસ્ત હતી. 

શરૂઆતમાં તો મને ગ્રાઉન્ડ પર શરમ આવી કેમ કે કોઈ છોકરી નહોતી પણ મેં સાઈડમાં ખુરશી લઈને મેચમાં ધ્યાન માંડ્યું.ધીમે-ધીમે તો મજા આવી ગઈ..આ આખી ટુર્નામેન્ટમાં અમારી ટીમે રંગ રાખ્યો. 3 મેચ જીતીને સેમી ફાઇનલમાં પહોંચી અને પછી સેમી ફાઇનલમાંથી ફાઇનલમાં...ફાઇનલ ચાલતી હતી ત્યારે છેલ્લી 5 ઓવર તો ગ્રાઉન્ડ પર એકદમ સન્નાટો છવાઈ ગયો, મને મારા ધબકારા બહાર સંભળાતા હતા. માત્ર 1 રનથી મેચ જીતી ગયા અને એ ટાઈમની ફીલિંગ જ કઈંક ઓર હતી. 

ક્રિકેટ એ માત્ર ગેમ નથી, એ એક ટીમની મહેનત છે. લક અને મહેનત મળે ત્યારે સફળતા સામેથી ચાંદલો કરવા આવે. મને પોતાને ઘણીવાર થતું કે આખો દિવસ શું ક્રિકેટ..ક્રિકેટ..પણ મૅચ પત્યા પછી મેં સૌથી પહેલાં મીતને કીધું કે હું ક્યારેય તને મેચ જોવા કે રમવામાં કંઈ જ નહીં બોલું. મેં ગ્રાઉન્ડમાં મીતની આંખમાં ઝુનૂન જોયું છે. એટલો ખુશ મીત મેં ઘણી ઓછી વાર જોયો છે. રન ઓછા થાય તો પ્લેયર નિરાશ થઇ જાય, આ મીતના મનમાં તો આખો દિવસ એ જ ચાલે કે મારે આમ નહીં આમ કરવાનું હતું.

પણ ક્રિકેટ તો ક્રિકેટ છે અને આ ટુર્નામેન્ટમાં તો 'ગોલ્ડન ગ્રિફિન્સ'ની જે ટીમ બની હતી..મતલબ કહેવું જ શું ! મીતનું ફિનિશિંગ હોય, મહર્ષિની બેટિંગ(બેટિંગ કરતાં મસ્ત તો કીપિંગ અને સ્લેજિંગ હતું), પાર્થની મારફાડ બેટિંગ હોય, બાપુની શ્રદ્ધા હોય, રૉનીની ધાંસુ બૉલિંગ હોય,  શુક્લાજી તો રહ્યા આપણા ઑલ રાઉન્ડર, સીજુની કાતિલ બૉલિંગ, મુકેશની ગદા, પરમની ફાઇનલ ઇનિંગ, હિતેશના કેચ(છેલ્લા કેચમાં ડાબો આખો હાથ છોલાઈ ગયો), અને લાસ્ટ ઑવરના લાસ્ટ બૉલમાં સર્વનનનો મેચ વિનિંગ કેચ...હું અને ઉત્સવી પણ ગ્રાઉન્ડની બહારથી ટીમને સપોર્ટ અને થોડું ઘણું સ્લેજિંગ કરતા હતા......એક મસ્ત નવાઈની વાત કહું? આ ટીમ ખરેખર તો કેપ્ટ્ન 11 હતી. બધા જ પ્લેયર કેપ્ટ્ન રહી ચૂક્યા છે. મેં ગ્રાઉન્ડ પર બધાની આંખમાં એક ઝુનૂન અને એકબીજાને દિલાસો આપતા પણ જોયા છે. 

છેલ્લા બોલ સુધી લડી જ લેવાનું, એનું નામ એટલે જ ક્રિકેટ. આ ક્રિકેટ પણ જીવન જેવું જ નથી? છેલ્લા શ્વાસ સુધી લડી લેવાનું, એનું નામ જ  જીવન. જીવનમાં એક સ્પોર્ટ્સ તો હોવો જ જોઈએ અને એમાં પણ જો આ સ્પોર્ટ ક્રિકેટ હોય તો એની તો વાત જ નિરાળી છે. ક્રિકેટનો નશો જ અલગ છે અને આ નશો ચા કરતાં પણ ઘણો સ્ટ્રોંગ છે..સવારે વહેલા ઊઠીને મૅચ રમવા જવાનું. ક્રિકેટ માટે ડેડિકેશન તો એને ચાહનારાઓને જ ખબર હોય. ક્રિકેટમાં ઘણું બધું છે એક વાર તમે ડૂબ્યા તો આ દરિયામાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. પણ આ દરિયામાંથી બહાર નીકળવું પણ કોણે છે?

આ મીતનો નાનપણનો ફોટો છે..આટલા વર્ષ પછી પણ હજુ કંઈ કે ચેન્જ થયું નથી. હા, બેટની સાઈઝ બદલાઈ ગઈ છે અને પગમાં પણ સ્ટડવાળા શૂઝ આવી ગયા છે...😇 આમ જ રમતો રહે, તને ચીયર કરવા હું તો બેઠી જ છું ને!!!!😎.


-ફૂલની ફોરમ










Comments

Popular posts from this blog

Dear ડેડિયાપાડા

સંસારનાં ઝરણાંમાં પ્રેમરૂપી નાવડી