સંસારનાં ઝરણાંમાં પ્રેમરૂપી નાવડી

આજે ખબર નહીં પણ અચાનક મને લખવાનું મન થઈ ગયું. બેંગ્લોરનું વાતાવરણ હજુ પણ મને સમજવામાં નથી આવતું અને વાદળા તો આમ માથા પરથી ચાલતા હોય. ગમે ત્યારે વરસાદ આવી જાય અને ગમે ત્યારે તડકો. જ્યારે કપડાં ના સૂકાતા હોય ત્યારે મસ્ત તડકો નીકળે. સ્કૂલમાં લુચ્ચો વરસાદ કરીને ગુજરાતીમાં એક પાઠ આવતો હતો. આ સાચે એવો જ વરસાદ છે. 

આજે બેઠા-બેઠા વિચારતી હતી કે છેલ્લા 2 વર્ષમાં તો ઘણું બધું બદલાઈ ગયું છે. લગ્ન પછી જીવન બદલાઈ જાય છે? લગ્ન પછી વ્યસ્ત થઈ જવાય છે કે પછી નવરા? લગ્ન પહેલાં દરેક છોકરીઓ તેના કમ્ફર્ટ ઝોન એટલે કે ઘરમાં હોય છે. લગ્ન પછી બધું બદલાઈ જાય છે. હમણાં થોડા દિવસ પહેલાં મારી એક દોસ્તે મને મેસેજ કર્યો હતો..કે તું જોબ પણ કરે છે, ઘરમાં કોઈ કામવાળા રખાયા નથી, કોઈ કૂક નથી આવતો, પેન્ટિંગ કરે છે, યોગ કરે છે, કથક ક્લાસ જોઈન કર્યા, સવારે રોજ નવી કોલમ (રંગોળી) બનાવે છે.આ બધું કેવી રીતે મેનેજ કરે છે? મને તો કઈ જ આવડતું નથી. લગ્ન પહેલાં પણ હું કદાચ એવી જ હતી. જોબ કરતા હોઈએ એટલે મમ્મી કઈ કામ જ ના કરવા દે. તું થાકીને આવી હઈશ, બેસ ને શાંતિથી હું કરું છું. અને પછી અચાનક બધું માથે આવે ત્યારે શું થાય!!! જવાબદારી, આ શબ્દ તો સાંભળ્યો જ હશે. આ જ્યારે માથે આવે ત્યારે બધું આવડી જાય, અને હું કોઈ પણ કામને બોજની જેમ નથી જોતી. કઈંક નવી વસ્તુ શીખવાની ધગશ રાખું છું. ઘણીવાર મારાથી ખીચડી બળી જાય છે તો ઘણી વાર શાકમાં મીઠું ભુલાઈ જાય છે, પણ હું રસોઈ કરવાનું છોડી નથી દેતી. મને લાગે છે કે, આ જ એ સમય છે જેમાં હું નવા-નવા અખતરા કરી શકું.

આ ઘરને મેં મંદિરની જેમ સજાવ્યું છે. અમદાવાદ મારી જન્મભૂમિ છે અને મોટી પણ ત્યાં જ થઈ છું. પણ જ્યારે બેંગ્લોરના ઘરમાં પગ મૂકું ત્યારે હાઈશશશશ....મોંઢામાંથી નીકળી જાય છે. અહીંના લોકો ખાસ કરીને નોકરી માટે આવીને વસેલા લોકો ખૂબ બિન્દાસ છે. સોમથી શુક્ર કામ કરો અને વીકેન્ડમાં દિલ ખોલીને જીવો. લગ્ન પછી મારા જીવનમાં વ્યસ્તતા આવી ગઈ છે પણ મને મજા પણ આવે છે. એક-એક વસ્તુની જવાબદારી લેવાની અને તેને મનથી પૂરું કરવાની, મેં અને મીતએ ગયા મહિને અમારા ગોલ લખીને ચોંટાડ્યા હતા તેમાંથી 5 ગોલ મારા પૂરા પણ થઈ ગયા છે. હા, મને પહેલેથી આમ વાતો કરવા જોઈએ પણ અહીં આવીને મને શાંતિ વધારે ગમે છે. સતત કોઈ બોલ બોલ કરે તો હવે મને માથું દુઃખી જાય છે. એમાં પણ મારું તો વર્ક ફ્રોમ હોમ એટલે શાંતિવાળા વાતાવરણમાં રહીને કામ કરવાનું અને વાદળોને જોયા કરવાના. મને હવે વધારે બોલવું પણ ગમતું નથી, ક્યારેક તો હું મનમાં જ આખી વાતચીત પૂરી કરી લઉં છું.

આપણે એવું જ સાંભળ્યું હશે કે લગ્ન પછી છોકરીઓની જિંદગી જ બદલાઈ જાય છે. ઘણું બધું સહન કરવું પડે છે, આઝાદી જતી રહે છે, પણ મને લાગે છે કે આપણા કરતાં વધારે જિંદગી છોકરાઓની બદલાઈ જાય છે. આપણે તો એક ઘર છોડીને આવ્યા છીએ, જયારે એમણે તો આપણને એમના ઘરમાં જગ્યા આપવાની છે, આપણી જવાબદારી લેવાની છે. પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને બેલેન્સ કરીને ચાલવાનું છે. લગ્ન પહેલાં તેમને કોઈને સાથે લઈને ચાલવાનું નહોતું પણ હવે તેમની પર જવાબદારી છે. મને એમ થાય છે કે આ જવાબદારી કોઈ એકના પર છે તે કહેવું ખોટું છે. મીત અને હું અમે બંને જોબ કરીએ છીએ અને બંને કામ પણ વહેંચીને કરીએ છીએ. નથી એ ક્યારેય મારા પર જવાબદારીનો પોટલું મૂકતો કે નથી હું તેના પર. એને જ્યારે રોટલી ફૂલવતો જોવું કે કપડાં સૂકવતો જોવું ત્યારે મને એમ થાય કે આ મારો ડ્રીમ પાર્ટનર છે. 

લગ્ન એટલે જવાબદારીનું ઝરણું કે જેમાં પતિના સાથ અને પ્રેમથી ચાલતી નાવડી લઈને તરવાનું છે. મેં ઘણી બધી વસ્તુઓ શીખવાની અને કરવાની શરૂઆત લગ્ન પછી કરી. અહીં આઝાદી છીનવાતી નથી પણ આઝાદી મળે છે. પ્રેમ અને વિશ્વાસના રસ્તે જો તમે એકબીજાનો હાથ પકડીને ચાલશો તો ક્યારેય ફરિયાદ નહીં કરો કે લગ્ન પછી તો મારી જિંદગી બદલાઈ ગઈ!!

Comments

Popular posts from this blog

Dear ડેડિયાપાડા

ક્રિકેટ : ઔર જીને કો ક્યાં ચાહિએ!