ધરતીનું સ્વર્ગ: ઉત્તરાખંડ
હું અત્યારે જે રૂમમાં બેઠી છું તેની સામેથી જ હિમાલય દેખાય છે. અડધી મિનિટમાં ગેસ પરથી ઉતારેલી ચા પણ ઠંડી પડી જાય એવી ઠંડી અને બહાર ફુલ વરસાદ ચાલુ છે. મીત હમણાં જ એનું લેપટોપ સાઈડમાં મૂકીને બાલ્કનીમાં ગયો. કારણકે અમે અત્યારે વાદળોની વચ્ચે છીએ.
ઉત્તરાખંડનું નાનકડું ગામ રાણીખેત. અહીં અમે મીતના ફ્રેન્ડ મોહિતના મેરેજ માટે આવ્યા છીએ. મને એ સમજાતું નથી કે આપણે લોકો સ્વર્ગ જેવી જગ્યા છોડીને કેમ વિદેશ ફરવા જઈએ છીએ!!
રાણીખેત એ ભારતના ઉત્તરાખંડ રાજ્યના અલમોડા જિલ્લામાં આવેલું એક ગિરિમથક અને છાવણીનું શહેર છે. રાણીખેત સમુદ્ર સપાટીથી ૧૮૬૯મીની ઊંચાઈએ આવેલું છે. અહીંથી હિમાલયની પશ્ચિમ ટેકરીઓ જોઈ શકાય છે.
અહીં એટલી શાંતિ છે કે 500 મીટર દૂર ઘરેથી કોઈ વાત કરતું હોય તો છેક અહીં સુધી સંભળાય છે. એટલી સાદગી છે અહીં કે પૂછો જ નહિ. મેં કીધું મીતને આપણે અહીંયા આવીને રહી જઈએ. ભીડની દુનિયામાં કઈ નથી. કોન્ક્રીટના જંગલ કરતાં મને પર્વત પર લયબદ્ધ ઉગેલા આ સ્પાઇન વૃક્ષો વ્હાલા લાગે છે. અહીં વાહનોનો દૂર-દૂર સુધી અવાજ નથી. અવાજ છે તો બસ અઢળક કલરવ. અહીં તમારે મોબાઈલમાં અલાર્મ મૂકવાની જરૂર નથી કારણકે તમને ઉઠાડવા માટે ખુદ કાબર અને ચકલીઓ આવે છે.
પહાડી લોકોમાં લુચ્ચાઈ નથી. એ લોકોના ચહેરા પર ટેંશન ઓછું અને સુંદરતા વધારે છે. મોહિતના સંબંધીઓ મને પૂછતાં જાય કે, આપકો કૈસા લગા હમારા ગાંવ? મેં કીધું તમે તો સાક્ષાત ધરતીના સ્વર્ગ પર રહો છો…તમે લોકો બહુ નસીબદાર છો. બહારની ભીડવાળી દુનિયામાં કઈં જ રાખ્યું નથી. અહીં કોઈના હાથમાં સ્માર્ટફોન ચોંટેલા નથી. કોઈ વારંવાર ઇન્સ્ટાગ્રામ ખોલીને નથી જોતું, એકબીજા સાથે રૂબરૂ વાતો કરે છે.
મને મહેંદી મૂકતા આવડે છે. મેં એકને મૂકી દીધી પછી તો મને દીદી મુજે ભી લગા દો…ના અવાજો સંભળાવા લાગ્યા. એક નાનકડી છોકરીએ તેના હાથમાં મહેંદી મૂકેલી હતી તો પણ તેણે ફરીથી મૂકાવી. આઈ એમ એન બોર્ન આર્ટિસ્ટ.
એક વાતની મને ઘણી નવાઈ લાગી. નૈનિતાલથી રાણીખેત સુધી મેં કોઈ હોસ્પિટલ નથી જોઈ કે નથી કોઈ દવાની દુકાન જોઈ નથી. પૌષ્ટિક ખાતા હોય તેમને ડૉક્ટરની જરૂર? ઈંટોની દુનિયામાં રહેતા અને પ્રદૂષણમાંથી દૂર રહેતા લોકોને જાતભાતની દવા અને ડૉક્ટરની જરૂર નથી. પ્રકૃતિ જ પહાડી લોકોની રખેવાળ છે.
અહીં નાની-મોટી કરિયાણાની દુકાનો છે અને મેગી, મોમોસ અને બીજા સ્નેક્સની દુકાનો છે. જે લોકો આટલી પ્રાકૃતિક જગ્યા પર રહેતા હોય તેમને ક્રીમ-લિપસ્ટિકના થથેડાની જરૂર છે. ઘરે રસોઈ કરવા લીંબુ જોઈતું હોય તો તેનું ઝાડ આંગણામાં જ હોય. અહીં ઇરિગેશનની કોઈ વ્યવસ્થા નથી, આ વાત કદાચ ભગવાનને ખબર હશે એટલે જ આટલા બધા વરસાદમાં પાણી મોકલે છે.
હું મીતની લાઈફમાં આવી એ પહેલા એનો પ્લાન ઉત્તરાખંડમાં આવીને વસવાનો હતો. જો કે, હજુ પણ આ પ્લાન રિયલ બની શકે છે. અહીંનું જીવન…કે જ્યાં ટેક્નોલોજીની મદદ ઓછી અને આપણાની મદદ વધારે જોવા મળે છે. અહીં તારું-મારું નથી, લોકો જબરા નથી. અહીંના રહેવાસીની આંખમાં જોશો તો સમજાઈ જશે સાદગીની વ્યાખ્યા…… જીવન એટલે શું? 10 કલાકની નોકરી કરો, મોંઘા રેસ્ટોરન્ટમાં ખાવા જાઓ, દર અઠવાડિયે શોપિંગ કરો, કેફેમાં પડ્યા રહો..ટ્રાફિકમાં ઊભા રહો…પૈસા કમાઓ… બીજા લોકોથી આગળ વધવાની રેસ લગાવો અને આ રેસમાં ખબર છે શું ખર્ચ થાય છે? આપણે પોતે.
આપણે આ પૃથ્વી પર કેટલા દિવસ છીએ તેની કોઈને ખબર નથી. કલાક પછી કુદરત આપણી સાથે શું કરશે તેની પણ ખબર નથી. આપણી લાઈફસ્ટાઇલ એવી થઈ ગઈ છે ને કે આપણે પ્રકૃતિ સાથે ઓછા અને ટેક્નોલોજી સાથે વધારે રહીએ છીએ..આપણને આજકાલ એક તળાવ સામે ચુપચાપ બેસવા કરતાં ઘોંઘાટભર્યા મોલમાં ફરવું ગમે છે..આપણને સાદગીભર્યું ભોજનને બદલે ઘોંઘાટવાળા કેફેમાં કલાકો સુધી બેસવું ગમે છે. હું અને મીત ગમે ત્યાં બહાર જઈએ ત્યાં શાંતિ ઓછી અને ઘોંઘાટ વધારે હોય છે. માણસોને બોલ્યા વગર ચાલતું નથી. અરે આજકાલ તો ફ્લાઇટમાં પણ લોકો કલાક સુધી શાંતિથી બેસી શકતા નથી.
જો કે, આપણે સમજીએ એટલું સહેલું નથી અહીંયા રહેવું. અહીં ઘણી બધી વસ્તુ માટે તમારે જાતે મહેનત કરવી પડે. સ્કૂલમાં જવા 2-3 કિમી ચાલીને જવું પડે. અહીં ઝોમેટો, સ્વિગી કે પછી કોઈ ઇન્સ્ટામાર્ટ નથી. જે કરવું હોય એ જાતે કરો પણ હા તમારી મદદ માટે અહીંના લોકો હંમેશાં ઊભા રહેશો. અહીંના લોકોની વાણીમાં મીઠાશ છે અને દિલમાં અનેરો પ્રેમ. પહાડ પર રહેવાને તેઓ મજબૂરી નહિ પરંતુ ગર્વ માને છે.
અહીંના બાળકોએ કદાચ થિયેટરમાં ફિલ્મ નહિ જોઈ હોય પણ દૂર હિમાલયમાંથી ઉગતો સૂર્ય જરૂર જોયો છે. અહીં પહાડ પર છૂટા છવાયા ઘર છે. માણસોની ભીડથી દૂર આ લોકો તેમની જિંદગી જીવી રહ્યા છે, માણી રહ્યા છીએ...અને આપણે??? આપણી આજુબાજુ પણ પ્રકૃતિ છે પણ આપણે ભીડમાં ખોવાઈ ગયા છીએ અને આ ભીડ જ બધાની જીવનનો એક ભાગ બની ગઈ છે. જો આપણી સાથે સવારનો સૂર્યોદય અને સાંજનો સૂર્યાસ્ત જોવાનો પણ સમય ના હોય તો સમજી લેવું કે આપણે એક જીવવા ખાતરની જિંદગી જીવી રહ્યા છીએ. જીવન જીવવું જ જરૂરી નથી પણ જીવનને અનુભવવું, માણવુ અને તેને ભેટવું પણ જરૂરી છે.
મીત હજુ 2 મિનિટ પહેલાં જ બોલ્યો, ‘ચલને ફોરમ, આપણે અહીં રહી જઈએ…..’
-ફૂલની ફોરમ💕
Comments
Post a Comment