દુનિયાની યુનિવર્સલ ભાષા એટલે અઢી અક્ષરનો પ્રેમ
"ફોરમ, તું તો બેંગ્લોરમાં છે, તને કન્નડ બોલતા આવડે છે?"
"ના.."
"તો? કોઈની સાથે વાત કરવી હોય તો? કઈ પૂછવું હોય તો?"
"પ્રેમ એટલે ખબર છે?"
"હા,"
તો બસ, પ્રેમ તો દુનિયાની યુનિવર્સલ ભાષા છે. એના માટે તો બધી ભાષા સરખી છે. પ્રેમ એટલે હ્ર્દયની ભાષા. તેમાં કોઈ શબ્દો કે અક્ષરો નથી. આ ભાષા તો બસ લાગણીઓનો દરિયો છે. પ્રેમ દરિયાની જેમ થોડો ના હોય, એ તો નજર પહોંચે ક્ષિતિજ સુધી, ત્યાં સુધી છે.
આજે વેલેન્ટાઈન ડે છે. નોર્મલી પ્રેમનો ઈઝહાર કરવાનો દિવસ, પણ શું આ પ્રેમ કપલ વચ્ચે જ હોય છે? શું ગિફ્ટના હકદાર પણ પ્રેમી યુગલો જ હોય છે? ના, પ્રેમ કોઈ નિર્જીવ વ્યક્તિ સાથે પણ થાય અને સજીવ પણ. મને પહેલો પ્રેમ મારી મમ્મી સાથે થયો, મારા પ્રેમના લિસ્ટમાં ફૂલો, બુક્સ, સૂર્યોદય-સૂર્યાસ્ત, પર્વતો, દરિયો, છોડ અને બીજું બધું આવે છે. નિર્જીવ વસ્તુઓ મને સામે પ્રેમ નથી કરી શકતી આથી હું ધ્યાન રાખું કે મારો એકનો જ પ્રેમ અમારા બંને માટે પૂરતો હોય.
બે ઘડી આંખો બંધ કરીને વિચારીશું તો ખબર પડશે કે આ દુનિયામાં તો આપણે એક નાનકડી રજ જેટલા છીએ. કુદરતે પ્રેમ આપવા અને કરવા માટે આપણી આજુબાજુ અનેક વસ્તુઓ ઘડી છે. સૌથી મહત્ત્વની વસ્તુ તો તમને અરીસા સામે ઊભા રહીને જ મળશે. તમે પોતે, તમે ક્યારેય પોતાને ગિફ્ટ આપી છે? પોતાને પ્રેમ કર્યો છે? પોતાના માટે રડ્યા છો? અને લાસ્ટ બટ નોટ લિસ્ટ, પોતાના માટે જીવ્યા છો?
પ્રેમ સામેવાળી વ્યક્તિ કે પછી વસ્તુ જોઈને નથી થતો, બસ એ થઈ જાય છે. ઘણાને બાઈક સાથે પ્રેમ હોય, ઘણાને એકાંત સાથે પ્રેમ હોય, ઘણાને ક્રિકેટ સાથે પ્રેમ હોય તો ઘણાને પેન્ટિંગ સાથે પ્રેમ હોય, ઘણાને તેમના ચંપલ અને કપડાં સાથે પ્રેમ હોય તો ઘણાને જમવાનું બનાવવા સાથે તો ઘણાને ટેસ્ટી ભોજન સાથે પ્રેમ હોય.
બસ પ્રેમમાં એક જ શરત છે, તેમાં "હું" નથી તેમાં "આપણે" છીએ. પ્રેમમાં ભરતી-ઓટ ના આવવા દઈ તેને ખળખળ વહેતા ઝરણાંની જેમ વહેવા દઈએ. પ્રેમ જ છે જે આપણને એકબીજા સાથે જોડે છે અને એકબીજાનું મહત્ત્વ પણ કહી દે છે.
"હું તો તારા એક ચપટી પ્રેમમાં પણ ખુશ છું,
મેં ક્યાં કદી માંગ્યો છે ખોબો ભરીને....પ્રેમ?"
-ફૂલની ફોરમ
Comments
Post a Comment