બેંગ્લોર ડાયરી: એક નવો માળો

પરિવર્તન જ આ સંસારનો નિયમ છે અને જો આ પરિવર્તન સ્વીકારશો તો જ આગળ વધશો.

અમદાવાદ શહેર સાથે ઘણો પ્રેમ છે અને રહેશે પણ. હાલ આ પક્ષીનો નવો માળો બેંગ્લોર છે. દેશના દરેક ખૂણેથી આવતા લોકોને આ શહેર સાચવે છે. આ શહેર એક ઘર છે, આ શહેર એક શ્વાસ છે, આ શહેર એક અહેસાસ છે. આ શહેર માત્ર શહેર જ નહિ પણ જીવતો જાગતો જીવ છે.

બેંગ્લોર શહેર કેવું હશે એ વિચારેલું હતું પણ આ શહેર મેં વિચાર્યું હતું તેના કરતાં પણ વધારે ધબકતું શહેર છે. બેંગ્લોરની ધરતી પર રાત્રે પગ મૂક્યો. આંખમાં ઊંઘ ભરેલી હતી, અમદાવાદ છોડ્યાનું દુઃખ હતું, નવી જવાબદારી લેવાના વિચારો ચાલતા હતા. આંખો મીંચાઈ જતી હતી તેમ છતાં મારે શહેર જોવું  હતું. જે રસ્તાઓ વાહનોથી છલોછલ હોય છે તે રસ્તો સૂમસામ સૂતો હતો. ઠૂંઠવી દે એવો ઠંડો પવન કાનની આજુબાજુ ફરતો હતો. બેંગ્લોરમાં કોઈ સાથ છોડે કે નહિ પણ ઠંડી અને વરસાદ તો તમારી આજુબાજુ જ ફર્યા કરશે. 


The journey of a thousand miles begins with one step

બેંગ્લોરમાં પગ મૂક્યો ત્યારે લાગતું હતું કે જાણે આ શહેર સ્વાગત કરવા માટે તૈયાર જ હતું. હજુ સુધી મેં અહીંયા ગુજરાતી ભાષા બોલતાકોઈને સાંભળ્યા નથી પણ તેમની આંખો પરથી ખબર પડે છે કે તેમના મનમાં શું ચાલી રહ્યું છે. આ શહેર અનેક લોકોના સવાલોનો જવાબ છે તો અનેક લોકો માટે એક સવાલ છે.

શહેરમાં કોન્ક્રીટનું જંગલ પણ છે અને સાથે લીલાછમ વૃક્ષો પણ છે. દરેક ઘરની બહાર કરેલી રંગોળી મને 10 સેકન્ડ માટે થોભી દે છે. ઊંચી ઊંચી નારિયેળી અને વાદળોનું કોમ્બિનેશન એટલે બેંગ્લોર. 

વાદળાં તો જાણે આપણા માથા પર ચાલતા હોય. ઠંડી અને વરસાદ બંનેનું નક્કી ના હોય. ગમે ત્યારે વરસાદ વરસી પડે છે. વરસાદ પડતો હોય ત્યારે વૃક્ષો જાણે કોઈ ગીત ગાતા હોય, રસ્તા જાણે ઝૂમતા હોય અને વાદળાં તો તેમની જ મસ્તીમાં દોડતા દેખાય છે. આ શહેરમાં હંમેશા રોમેન્ટિક વાતાવરણ જ હોય છે. પ્રેમીઓને બહાર જવા માટે બહાનું શોધવાની જરૂર નથી કારણકે અલૌકિક વાતાવરણ તો શહેર તરફથી મળેલી પ્રેમાળ ભેટ છે. આ વરસાદમાં પ્રેમ છુપાયેલો છે. આ વરસાદમાં ધબકારો છુપાયેલો છે.  


આ શહેર સાથે કોઈ અપેક્ષા નથી પરંતુ આ શહેર અમને ઘણું બધું શીખવશે તેવું ચોક્કસ લાગે છે. 

-ફૂલની ફોરમ

Comments

Popular posts from this blog

કુદરતની કરિશ્મા: કોડાઈકેનાલ

હિમાલયના ખોળામાં

પ્રકૃતિ સાથે ગુફ્તગુ