Dear ડેડિયાપાડા


"સ્માર્ટફોન અને ઈન્ટરનેટ કો દૂર રખકર કુછ દિન તો ગુઝારિયે ડેડિયાપાડા મેં"

ડેડિયાપાડા , આ નામ તમે ક્યાંક તો સાંભળ્યું જ હશે. મેં તો આ નામ સામાજિક વિજ્ઞાનમાં એક પાઠમાં વાંચ્યું હતું કે આ જગ્યાએ રીંછનું અભ્યારણ્ય આવેલું છે. ડેડિયાપાડા એ અનએકસ્પ્લોર જગ્યા છે એટલે કે અહીં સુધી હજુ માણસોનું વધારે મહેરામણ પહોંચ્યું નથી અને કદાચ એટલે જ આ જગ્યા એટલી સુંદર અને પ્લાસ્ટિકથી મુક્ત છે.

સફર પૂરા થઇ ગયાને બે દિવસ વીતી ગયા પછી પણ હજુ પણ ડેડિયાપાડાનો નશો ઉતર્યો નથી. દોઢ દિવસમાં મેં પક્ષીઓનો કલરવ જ સાંભળ્યો છે. મેં ત્યાં વાહનોના નકામા હોર્ન નથી સાંભળ્યા. એટલી શાંતિ કે ત્યાં પર્વત પર બેઠા બેઠા મને પોતાના જ ધબકારા સંભળાતા હતા.

નર્મદા જિલ્લામાં પ્રવેશીએ ત્યાં જ સુંદર રસ્તા અને વિશાલ વૃક્ષો આપણું સ્વાગત કરે. થોડે થોડે અંતે તમને ખળખળ વહેતા ઝરણાંનો અવાજ સંભળાય. આ અવાજ હજુ પણ કાનમાં ગુંજે છે. અલગ-અલગ વૃક્ષો અને જો સૌથી વધારે કઈ જોવાની મજા આવી હોય તો તે છે રંગબેરંગી પતંગિયા. પતંગિયા ત્યાં જ વધારે ફરે જ્યાં પ્રદૂષણ ઓછું હોય. એક સફેદ રંગનું પતંગિયું તો મારા હાથમાં ચાલતું હતું.

નાના-મોટા અનેક ધોધ, જંગલ, પતંગિયા, પક્ષીઓ, પક્ષીઓનો કલરવ, આદિવાસી સભ્યતા, આદિવાસી ઘર, ગાય અને બકરીઓ, ડાંગરનો લીલોછમ પાક, હેન્ડપંપ, લીલાછમ પર્વતોનો સમન્વય એટલે ડેડિયાપાડા. જો કે, અમે બાકીના બે ધોધ સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં મહારાષ્ટ્રમાં પહોંચી ગયા હતા.ગુજરાતમાંથી ફરતા-ફર્યા ક્યારે મહારાષ્ટ્રમાં આવી ગયા કઈ જ ખબર ના પડી. આ તો નેટવર્ક આવ્યું એટલે ટેક્સ્ટ મેસેજે યાદ અપાવ્યું.

ડેડિયાપાડાની સવાર, સાંજ અને રાત એટલી સુંદર હોય છે કે તમે પણ બોલી ઊઠો કે સમય તું થોભી જા. મારે આ નજારાને મારી નજરોમાં ક્લિક કરવો છે, મારે આ નજારા સાથે જીવવું છે તેને માણવો છે. મને સૂર્યાસ્ત, સૂર્યોદય અને તારાથી અદ્દભૂત લગાવ છે. સાપુતારા વખતે પૂનમ હતી એટલે વધારે તારા નહોતા દેખાયા પણ ડેડિયાપાડામાં તો લાખો તારાથી ચમકતું આભ. આ આભમાં વચ્ચે પ્લેન ચાલતું હોય. ટેન્ટમાં રહેવાનો અનુભવ ના લો ત્યાં સુધી તમારો સફર પૂરો થયો ના કહેવાય. 

વહેલી સવારે 6 વાગ્યે ખુલી ત્યારે હું અને મીત વાદળોની વચ્ચે ઊભા હતા. આ વાદળો અમારી આરપાર થઈને આગળ જતા હતા. વાદળો વધારે હતા એટલે અમને સૂર્યાસ્ત જોવા ના મળ્યો પણ મેં તેને દિલથી ચોક્કસ નિભાવ્યો છે. આ વર્ષે વરસાદ સારો થયો હતો અને એટલે જ દરેક પહાડોએ લીલીછમ ચાદર ઓઢી હતી. આ ચાદરને એકીટશે જવા છતાં પણ મન ભરાતું નહોતું.

ધોધનું પાણી એટલું ચોખ્ખું કે વાત જ ના પૂછો. પર્વતોના પ્રેમ પાછો ધોધના પ્રેમમાં પણ પડ્યા. આ પ્રેમ નિ:સ્વાર્થ હતો. આપણે શહેરીજનો ગાડીઓ લઈને આવી જગ્યાઓ જોવા જઈએ ત્યારે મને ત્યાં રહેતા લોકો પર થોડી ઈર્ષા થઇ. આટલી સુંદર જગ્યાએ રહેવું એ એક સૌભાગ્યની વાત છે. હું જ્યારે પણ ત્યાં રહેતા કોઈ આદિવાસી છોકરાઓની આંખમાં જોતી ત્યારે મને લાગતું કે આ લોકો ઘણું બધું વિચારી રહ્યા છે. આ ગાડીઓ ક્યાંથી આવી હશે? અમે લોકો આ લોકોથી અલગ કેમ છીએ? આ લોકોના કપડાં અલગ છે, આ લોકોની ભાષા અલગ છે, શું આ બીજી દુનિયામાંથી આવ્યા હશે? કેમ કે આ જગ્યાએ નેટવર્ક પણ માંડ માંડ આવે છે આથી બહારની દુનિયા સાથે લોકો જોડાયેલા નથી. તેમને નથી ખબર નેટફ્લિક્સ પર કઈ સિરીઝ આવશે કે હવે કયો તહેવાર આવશે? પીઝા ક્યાં સારા મળશે કે પછી શોપિંગ મોલ કયો સારો છે? તેમનું જીવન ખૂબ સરળ છે. 

આટલા વિસ્તારમાં મેં નથી કોઈ મોટી હોસ્પિટલ જોઈ કે નથી મોટું કોઈ મંદિર જોયું. હું ઘણી વખત લખી ચૂકી ચુ કે આદિવાસી લોકો પ્રકૃતિના ઉપાસક હોય છે, તેમના માટે પ્રકૃતિ જ તેમના ભગવાન છે, પ્રકૃતિ જ તેમની આજીવિકા છે. આ લોકોને એટલે હોસ્પિટલની જરૂર નહીં પડી હોય કારણકે તેઓ સમતોલ આહાર જમે છે તેમના ડિનર કે લંચમાં ફાસ્ટફૂડ સામેલ નથી. 

બે દિવસ નહોતું ટેંશન કોઈ મિટિંગનું, કામનું કે પછી કોઈ ટાસ્ક પૂરા કરવાની ચિંતા. આ બે દિવસ સમર્પિત હતા માત્રને માત્ર પ્રકૃતિને. મારા અને મીત માટે ફરવું એ શોખ નહીં પણ ખોરાક છે. હમસફર મીત હોય તો સફર તો અવર્ણનીય થવાનો જ છે. ક્રિષ્ના અને મીતના ફ્રેન્ડ્સની કંપનીએ આ ટ્રીપમાં ચાર ચાંદ લગાવ્યા. 

મન મૂકીને ફરો કારણકે લેપટોપ અને ઘરની બહારની દુનિયા ખૂબ સુંદર છે. આ દુનિયાની અંદર બીજી એક દુનિયા સંતાયેલી છે. જે દિવસે તમને આ દુનિયા મળી જાય અને તેની સાથે જીવતા આવડી જાય એ દિવસે તમે દુનિયાની સૌથી ખુશ વ્યક્તિ બની જશો. 

લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ....ઉર્વીશભાઈ અને ડિસ્કવર ડેડિયાપાડા ટીમને બહુ મોટું થેંક્યુ....કે જેમણે અમને ડેડિયાપાડાના એક-એક પહાડ, એક-એક ધોધ. એક-એક રસ્તાથી ગુફ્તગુ કરાવ્યા. કેમ્પ સાઈટ તો હજુ પણ આંખો સામેથી ખસી રહી નથી. આટલી સુંદર જગ્યા  માટે ઉર્વીશભાઈને દિલથી થેંક્યુ..શરૂઆતમાં મેં તેમના ઘરે અઢળક બૂક્સ જોઈ હતી ત્યારે જ મારા મનમાં તેમની છબી બની ગઈ હતી અને મળ્યા પછી તો એમ થયું કે હું ખોટી હતી, મેં વિચાર્યું હતું તેમના કરતાં પણ વધારે ડાઉન ટુ અર્થ અને ખરા અર્થમાં "ભોમિયો" છો તમે. 

મંઝિલ કી ચિંતા મત કર, તું બસ ચલા ચલ..... 

-ફૂલની ફોરમ

Comments

Popular posts from this blog

સંસારનાં ઝરણાંમાં પ્રેમરૂપી નાવડી

ક્રિકેટ : ઔર જીને કો ક્યાં ચાહિએ!