કાશીયાના
"સુરતનું જમણ અને કાશીનું મરણ..."કોઈ ફિલ્મ કે પછી ક્યારેક સિરીઝમાં વારાણસીની ઝલક જોતી ત્યારે જ મેં મનમાં નક્કી કરી લીધું હતું કે એકવાર તો કાશી જવું છે, ગંગા કિનારે ઘાટ પર બેસવું છે. માણસની અંતિમક્રિયાની નજીકથી પસાર થવું છે. હું ઘણીવાર એવું બોલતી કે કાશી જતા રહેવું છે, ત્યારે મને ખબર નહોતી કે ગંગા કિનારે વસેલા વારાણસીમાં આટલો મોટો માનવમેળો હશે ! પણ માણસોની ભીડ વચ્ચે પણ શાંતિ શોધી લીધી, ઘરે આવ્યા પછી પણ કાનમાં ગંગા નદી ખળખળતી વહે છે.
"કોઈ કાશી કહે, કોઈ બનારસ, તો કિસી કે લિયે એ વારાણસી..."
મીતને મારી ઈચ્છા ખબર પડી ત્યારે તેણે કીધું હતું કે ફોરમ હું પણ આવીશ તારા સાથે..મારે પણ જોવું છે. એણે મારી પાસેથી કાશીના એટલા બધા વખાણ સાંભળ્યા કે ઈચ્છા થઇ ગઈ હશે તે વાતમાં કોઈ શંકાને સ્થાન નથી.
'ફોરમ, ફ્લાઇટમાં જવું છે?'
'હે...શું? હા ચલ...પણ રિટર્નમાં ટ્રેનમાં આવીશું.'
'ઓકે કેપ્ટ્ન.'
મારા જીવનની ફર્સ્ટ ફ્લાઇટ અને મીતે ટેક ઓફ અને લેન્ડિંગ વખતે મારો હાથ ફિટ પકડી લીધો. હું તો વાદળોમાં ખોવાઈ ગઈ. મારે તો વાદળોને બથ ભરવી હતી, તેને પકડવા હતા અને મારી સાથે ઘરે લઇ જવા હતા. એકટાઈમ માટે લાગતું હતું જાણે હિમાલયમાં છું. આજુબાજુ ચોખ્ખી હવા અને આંખો આંજી દે તેવો પ્રકાશ... મિતને મારી આંખો જોઈને ખબર પડી જાય છે કે મને ભૂખ લાગી છે કે હું બહુ ખુશ છું કે હું કંઈક વિચારી રહી છું.
કાશીમાં જબરદસ્ત ભીડ જોઈને પહેલા તો હું ડરી ગઈ કે ભીડથી દૂર થવા કાશી આવી પણ અહીંયા ભીડમાં ફસાઈ ગઈ.
ભોલે ભગવાનના દર્શન સરળતાથી થાય તો તો જોઈતું તું જ શું? અમે બંને 3 કલાક લાઈનમાં ઊભા હઈશું અને પછી જે દર્શન થયા તે અદભૂત. 2 મિનિટ માટે દુનિયા રોકાઈ ગઈ હતી. ભગવાન પાસે જઈને જાણે નિ: શબ્દ થઈ ગઈ.
'કાશીયાના' બુક વાંચી અને ઇન્ટરનેટ પર ગંગા આરતીના ફોટા જોઈને ત્યાં જઈને બેસવાની ઈચ્છા વધુ તીવ્ર થઇ ગઈ. કાશી શહેરની ટમેટાની ચાટ હોય, રસ્તા પર દોડતા વાહનો, ગોલ-ગપ્પાની ડીશ હોય, ઘાટ પર ગંગા માતાની આરતી કે ઘાટ પર સળગતી ચિતા...આ બધામાં કંઈક છુપાયેલું હતું. કંઈક તો અલગ હતું.
ઘાટ પર અમે બહુ બધા કપલ જોયા કે જેઓ એકબીજામાં ખોવાયેલા હતા, તે સમયે મને મીત સામે પણ જીવનું મન થતું તો બીજી બાજુ ગંગાના દ્રશ્ય નજર સામેથી ખસતા નહોતા.
કાશીની ગલીઓમાં હાથ પકડીને ચાલવાનું, નાનકડી રમકડાં જવી રીક્ષામાં બેસવાનું, મીતને બટકા ભરવાનું આ બધું કાયમ માટે યાદ રહેશે.
સ્મશાનની આટલી નજીક હું પહેલી વાર ગઈ. જીવનનો તો પર્યાય મૃત્યુ છે. હરીશચંદ્ર ઘાટ પર શાંતિ હતી. 500 મીટર દૂરથી જ લાકડા બળવાની ભનક લાગી ગઈ. ત્રણ ચિતા સળગી રહી હતી, અગ્નિમાં ભળીને તેની રાખ થઇ રહી હતી અને તેના સંબંધીઓ ચુપચાપ જોઈ રહ્યા હતા. છેલ્લે આપણે બધાએ પણ આ જ રસ્તે ચાલવાનું છે. ગમે તેટલું જીવી લો અંતે તો રાખ બનીને હવામાં ભળી જવાનું છે. આત્મા એક શરીર છોડીને બીજા શરીરમાં પ્રવેશે છે. આત્મા અમર છે પણ શરીર સાથે જે જોડાણ થઇ જાય છે તે સહેલાઇથી દૂર નથી થતું. મૃત્યુ પછી શું છે તે કોઈને ખબર નથી પણ મૃત્યુનો ડર રાખીને જીવવું પણ યોગ્ય નથી.
મહાદેવનું આમંત્રણ આવી જાય છે અને અમે બંને બેગ પેક કરીને ઉપડી જઈએ છીએ. ગંગાનું પાણી ડહોળું હતું એટલે મીતને ન્હાવાની ઈચ્છા ઓછી હતી પણ મમ્મી કહે ત્યાં છેક ગયા છો તો નહાવું તો પડે જ. થોડું અંધારું થયું ત્યારે અમે એક શાંત ઘાટ પર ગંગામાં ડૂબકી મારી, ડૂબકી તો ના કહેવાય કારણકે મને પાણીથી બીક લાગે છે. હું તો લિટરલી ગંગા નદીમાં સૂઈ ગઈ હતી, ગંગામાં ન્હાવાથી પાપ ધોવાય છે કે નહીં એ તો નથી ખબર પણ હા મનને શાંતિ ચોક્કસ મળી.
ગંગાની આરતીમાં ઠસોઠસ ભીડ હતી, દોઢ કલાકની આરતીના દ્રશ્યો અદભૂત હતા. મીતે મને ત્યાં બરફનો ગોળો ખાવાની હા પણ પાડી હતી.
ટ્રેનની જર્નીમાં એવું લાગતું હતું કે 24 કલાક કેવી રીતે કાઢીશું? હકીકતમાં મીત જ્યારે જોડે હોય છે ત્યારે મને સમયની ખબર જ નથી રહેતી. આ વખતે પણ એવું જ થયું. કાશીયાના બુક બીજીવાર વાંચતી વખતે બધું આંખ સામે તરવા લાગ્યું, કાશીયાના બુકના લેખક જેમાં ભણ્યા તે બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય પણ જોઈ, એટલી મોટી કોલેજ કે વાત જ ના પૂછો, મીતનું સપનું હતું ત્યાં ભણવાનું અને મીત જે કોલેજ એટલે કે એલ. ડીમાં ભણ્યો તે કોલેજ મારું સપનું હતું. મને કાશીની યાત્રા કરાવવા બદલ થેંક્યુ. મને તારા સાથે ભોમિયાની જેમ ફરવાની મજા આવે છે, ખુશીની વાત એ છે કે આપણે માત્ર ફરતા નથી પણ પ્રત્યેક ક્ષણને દિલથી માણીએ છીએ. આગળ પણ તારા સાથે દુનિયાને ખૂંદવા માટે હું રેડી છું અને તું?
'સગાઈના 4 મહિના પૂરા થયા એ બદલ તને મારા તરફથી કાશીનું નાનકડું સંભારણું'
તારી વિશ્વાસુ,
ફૂલની ફોરમ
Comments
Post a Comment