અમારા લગ્ન
22 ડિસેમ્બર, સમય રાત્રે 10 વાગ્યા આસપાસ, એટલી ઠંડી હતી કે ધાબા પર ઊભું રહેવાનું મન જ નહોતું થતું. મારી અને મીતની વાતો જેમ-જેમ આગળ વધી રહી હતી તેમ-તેમ મારી ચાલવાની સ્પીડ પણ વધી ગઈ હતી. ક્યારેક બેસી જાઉં તો ક્યારેક ફરીથી ચાલવા લાગુ. મને લાગતું હતું કે અરેન્જ મેરેજની મીટિંગ પહેલાં મારે પ્રશ્નોનું લિસ્ટ બનાવવું પડશે પણ મીતમાં એવી કોઈ જરૂર ના પડી.
'મીત, એક જરૂરી વાત પણ કહેવાની છે. હજુ આજે આપણે પહેલી વાર વાત કરી રહ્યા છે પણ જો આગળ ચાલીને સાથે રહેવાનું થાય અને મેરેજ કરવાના થાય તો મારી એક ઈચ્છા છે.'
'હા બોલ ને.'
'ફટાકડા ફૂટતા હોય અને જોરથી મ્યુઝિક વાગતું હોય અને ત્યાં તું ઘોડા પર બેસીને જાન લઈને આવે, ડેકોરેશન, રિસેપ્શન, ફોટોગ્રાફી...આ બધું મારે નથી જોઈતું. મારે સિમ્પલ વેડિંગ કરવા છે, આઈ મીન રજીસ્ટર્ડ મેરેજ કે જ્યાં આપણા અંગત લોકોની હાજરી હોય અને સાદગી સાથે આપણે એક નવા જીવનની શરૂઆત કરીએ.'
'યુ નો વૉટ ફોરમ, હું પણ તને આ જ વાત કહેવાનો હતો, મને પણ ધામધૂમથી લગ્ન કરીને પૈસા ઉડાડવામાં કોઈ રસ નથી. સારું છે કે આ બાબતે આપણા બંનેના વિચાર મળે છે, ફેમિલીને સમજાવવામાં મને નથી લાગતું કે કોઈ વાંધો આવે.'
ગઈ કાલે રાત્રે મને 2 લોકોએ કીધું, 'ફોરમ પ્રાઉડ ઓફ યુ,' અને આ શબ્દો વાંચીને મને મારા મનના વિચાર કરવાની ઈચ્છા થઇ. જેનું પરિણામ તમારા સામે છે, શબ્દોરૂપી મારી ભાવના. લગ્ન એ જીવનનો મહત્ત્વનો પડાવ છે. હું નાની હતી ત્યારે કોઈની જાન નીકળે તો મમ્મીને જીદ કરતી કે મને નવા કપડાં પહેરાવો અને પછી જ્યાં સુધી જાન દેખાય નહીં ત્યાં સુધી વળી-વળીને જતી. નાનપણથી એવું નહોતું કે હું પણ સાદગીથી લગ્ન કરીશ. બહારથી લાગતો ભભકો ક્ષણ માત્રનો હોય છે. એની તૈયારી પાછળ મહિનાઓ અને અનેક વર્ષોની જમાપૂંજી સ્વાહા થઇ જાય છે.
જ્યારે પહેલો પગાર આવ્યો એ દિવસે પપ્પા પર માન થઇ આવ્યું. પૈસા સહેલાઈથી કમાવતા નથી. એના માટે મહેનત કરવી પડી છે.(બાપના પૈસે લહેર કરતા લોકો માટે વાત અલગ છે) લાખો રૂપિયાના લગ્નમાં આવનારા મહેમાન તે જ મંડપમાં ખોળ કાઢવાનું શરૂ કરી દે છે. 500 રૂપિયાની ડીશમાં પણ તેમને ક્યાંક મીઠું વધારે કે તો ક્યાંક મીઠું ઓછું લાગે છે.
આઈ એમ સો ગ્રેટફુલ કે મારા વિચારોને સમજનારો મીત છે. એને પણ ખોટા ખર્ચ કરવા ગમતા નથી. ફરવાનો ગાંડો શોખ, અમારા બંનેનું એક જ માનવું છે લગ્નના ખર્ચના રૂપિયામાં દુનિયાની સુંદર જગ્યા ફરી શકાય. જેને પૈસાની જરૂર હોય તેને ખરા અર્થમાં મદદ કરી શકાય. મને બહુ ખુશી થાય છે કે હું સાદગીથી લગ્ન કરું છું, આજે મારા મમ્મી-પપ્પાને રાતે શાંતિથી ઊંઘ આવે છે. તેમના માટે મારા લગ્નના ખર્ચનો બોજ નથી. માથા પર કોઈ પણ દેવું વગર તેઓ મને મોકલશે.
હવે તો સેલિબ્રિટી પણ કોઈ પણ ભભકો વગર સાદાઈથી લગ્ન કરે છે. સાદાઈથી લગ્ન કરવાનો અર્થ એ નથી કે પૈસા નથી એટલે ટૂંકાણમાં પતાવ્યું. સમાજના રીતિ-રિવાજમાં જો લોકો નાનામાં-નાની વાત પણ સમજણપૂર્વક જોશે તો ખરા અર્થમાં તેમનું અને બીજાનું કલ્યાણ કરી શકશે. માર્કેટમાં 500 રૂપિયાની નોટ લઈને જતી મમ્મીને પૂછજો કે મોંઘવારી કેટલી વધી ગઈ છે?
બાય ધ વે 4 નવેમ્બર એટલે કે મારી બર્થડેના દિવસે જ હું અને મીત પ્રભુતામાં પગલા પાડવાના છે.
આપ સૌના આશીર્વાદ અને પ્રેમની આશા,
તમારી જિજ્ઞાસુ,
ફૂલની ફોરમ.
Comments
Post a Comment