દુનિયાની સૌથી સુંદર સ્ત્રીને મારું THANK YOU,
'ફોરમ, હું તારા જેટલી હતી ત્યારે સેમ તારા જેવી જ લાગતી હતી.'
'ફોરમ, આ ફિલ્મની હિરોઈનના વાળ તો જો તારા જેવા જ છે, એ હસે તો તારા જેવી જ લાગે છે.'
'ફોરમ, તું ઘરે નહીં હોતી તો મારો દિવસ વર્ષ જેવો બની જાય છે.'
'ફોરમ, મને માથું ઓળી દેને.'
'ફોરમ, અહીંયા આવ, આજે જો તને દાળ-ઢોકળી બનવતા શીખવાડું.'
મમ્મી..જલ્પા...જપુ...આ ત્રણેય એટલે મારી જનની. મારા માટે તો તું રોજ ખુશ હોય એટલે રોજ મધર્સ ડે. તમારા બનાવેલા બોર્નવીટાથી મારી સવાર પડે. અત્યારે નાના છોકરાઓને ટ્યુશન જતા જોવું ત્યારે એમ થાય.હઈશ હું તો બચી ગઈ. મને તો મમ્મી જ ભણાવતા હતા. એમણે મોઢે કરાવેલો નિબંધ આજ સુધી મને યાદ છે. સ્કૂલે રિઝલ્ટ કેવા જઈએ ત્યાર રસ્તામાં ફ્રેન્ડના પેરેન્ટ્સ મળી જાય અને મમ્મીને કહે, પેંડા લઈને જ જજો. એ વગર ટીચર તમારા બંને છોકરાના રિઝલ્ટ નહિ આપે. મને પહેલેથી દૂધ અંતરમાં વ્હાલું. મમ્મી સ્કૂલે લેવા આવે તો રસ્તામાં જ પૂછી લઉં, દૂધ બનાવ્યું? અને આવીને સીધા ગ્લાસ લઈને બેસી જાઉં.
જલ્પા એટલે સંતોષી જીવડો, તે કોઈ કપડાં કે વસ્તુથી નહીં પણ તેની સાથે હું સૂર્યાસ્ત જોવું કે પછી ફૂલ-રેકેટ રમું કે પછી એની સાથે સાપ-સીડી રમું. ત્યારે એ બહુ ખુશ હોય. જલ્પાની તોલે કોઈ ના આવે.
હું મોરબી ગઈ ત્યારે મમ્મીને બહુ ચિંતા થતી મારી. આ છોકરી હોસ્ટેલમાં કેવી રીતે રહેશે? અને મને હજુ પણ યાદ છે જે દિવસે હું આવવાની હોવ ત્યારે મમ્મી પાર્કિંગમાં આવીને ઊભા હોય અને ભીંડાનું શાક તો બનાવે જ. હું રડતી તો એ પહેલા રડી લે અને પછી મને શાંત રાખે. હું ઘણું બધી શીખી છું જલ્પા પાસેથી અને આગળ પણ શીખીશ. હવે તો મારી પાસે બે જનની છે. ઉર્વિશા 'મા'ને પહેલીવાર મળી ત્યારે એમ થઇ ગયું, આ શાંતિનું ઝરણું છે. બોલે તો પણ એટલું મધુર લાગે. મીતે તમને પૂછ્યું કે, કેવી લાગી ફોરમ? ત્યારે તમે જે એક્સપ્રેશન આપ્યા તે તો અદભૂત. તમારો પ્રેમ અને આશીર્વાદ હંમેશાં અમારી સાથે જ રહેશે. મને પણ તમારી દીકરી જ સમજજો હો ને !!!
પહેલાં પણ કીધું હતું અને આજે પણ કહું છું, જલ્પા એટલે કાળજાનો કટકો નહીં પણ મારું કાળજું.
Comments
Post a Comment