નારી તું નારાયણી

મેસેજ અને સ્ટેટસનો ઢગલો. ઓહ યસ..આજે તો 8 માર્ચ ઇન્ટરનેશનલ વીમેન્સ ડે. દરેક ઘરમાં રહેતી દેવીને મારા નમન. સ્ત્રી તું મહાન છે, તારી તોલે કોઈ ના આવે. સાલું ખબર જ ના પડી ક્યારે એક છોકરીમાંથી સ્ત્રી બની ગયા ! કોઈકની બહેન, કોઈકની દીકરી, કોઈકની ગર્લફ્રેન્ડ, કોઈકની પત્ની, કોઈકની વન સાઈડ લવર, કોઈકની દોસ્ત તો કોઈકની દાદી-નાની. 

સવાર પડે એટલે કોઈ પણ સ્ત્રીને કહેવું નથી પડતું કે આજે તારે શું કામ કરવાનું છે ! ઘરનું કામ હોય કે ઓફિસનું કામ..બધું હસતા મોઢે કરવાનું. પોતાની ઈચ્છા પહેલાં બીજાની ખુશીને મહત્ત્વ આપતી સ્ત્રીને એટલું જ કહેવું છે કે, તારા માટે જીવવાનું ક્યારેય ના ભૂલતી. ક્યારેય નહીં. 'મી ટાઈમ ઈઝ ઈમ્પોર્ટન્ટ.'

સ્ત્રી એટલે પક્ષીઓના કલરવથી શરૂ થતી સવાર,

સ્ત્રી એટલે પરિવારની આજુબાજુ ફર્યા કરતી લાગણી,

સ્ત્રી એટલે પ્રેમનો અખૂટ દરિયો,

સ્ત્રી એટલે ઘરની રોનક, 

સ્ત્રી એટલે 9 મહિના પેટમાં સાચવેલા બાળકની જનની,

સ્ત્રી એટલે ખળખળ વહેતુ કરુણાનું ઝરણું, 

સ્ત્રી એટલે પરિવારનું ગૌરવ,

સ્ત્રી એટલે તેના પતિનું પર્મેનન્ટ એડ્રેસ,

સ્ત્રી એટલે રસોઈની કલાકાર, 

સ્ત્રી એટલે આ દુનિયામાં આપણને લાવનારી દુનિયાની સૌથી સુંદર વ્યક્તિ,

સ્ત્રીના ઋણી છીએ અને આજીવન રહીશું...

સ્ત્રીને શું જોઈએ છે? થોડો પ્રેમ અને સામેવાળાની નજરમાં સન્માન. સિમ્પલ રૂલ છે, પ્રેમ આપશો તો પ્રેમ મળશે, નફરત કરશો તો સામે પ્રેમની અપેક્ષા ના રાખવી. દરેકનું ધ્યાન રાખનારીને પ્રેમનો હક તો છે જ ને? ક્યારેક શાંતિથી બેસીને કોઈ સ્ત્રીને કારણ વગર થેંક્યુ કહ્યું છે? સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કે પછી રેપના ન્યૂઝ આવે ત્યારે રૂવાંડા ઊંચા થઇ જાય. શું કરવા? શા માટે? તે સ્ત્રી છે તે જ તેનો વાંક?? સહનશીલતાની મૂર્તિ આપણે બધાએ જ બનાવી છે. 

તેની સુંદરતા જોવા માટે હવસની નજર નહીં પણ આત્માનું જોડાણ મહત્ત્વનું છે. બીલીવ મી..સ્ત્રીના શરીર પર સૌથી સુંદર વળાંક તેની સ્માઈલ છે. મારા જીવનમાં આવેલી અને આવનારી દરેક સ્ત્રી માટે મને માન છે, મારે તમને બધાને દિલથી થેંક્યુ કહેવું છે. મન ભરીને અને મન મૂકીને જીવો, મન ભરીને હસો, મન થાય ત્યારે રડી પણ લો, બસ...મનમાં રાખીને ના જીવો. 

ફૂલની ફોરમ

Comments

Popular posts from this blog

કુદરતની કરિશ્મા: કોડાઈકેનાલ

હિમાલયના ખોળામાં

પ્રકૃતિ સાથે ગુફ્તગુ