હજુ કેટલા માસૂમ ફૂલ ચૂંથાશે?
હવે એક એવો સમય આવી ગયો છે કે હેડલાઈન હોય કે નોટિફિકેશન આવે તો હું વાંચી નથી શકતી અને સ્વાઇપ કરી દઉં છું. રેપનાં કેસ રોજ આપણી સામે આવે છે, વાંચીએ છીએ, વિચારીએ છીએ અને પછી પૂરું. રેપનાં આરોપીની સજા વિશે ખબર છે? એને જામીન મળે કે નહીં એ ખબર છે? ચલો એ જવાદો, આ ઘટના પછી એ માસૂમની જિંદગી સાથે શું થાય છે એ ખબર છે? ન્યૂઝમાં નામ કે બીજો કોઈ ઉલ્લેખ કરવામાં આવતો નથી પણ તેના પરિવાર અને પડોશીઓને તો ખબર હોય છે. માસૂમ આખી જિંદગી એક ગિલ્ટ સાથે જીવે છે. તેનો વાંક નથી પણ તે હવસનો શિકાર થઈ એ તેનો વાંક છે.
હજુ જસ્ટ મેં ગૂગલ પર રેપ કેસ લખ્યું ત્યાં ઇન્ડિયાનાં અલગ-અલગ રાજ્યોનાં હાલનાં જ આ રિલેટેડ ન્યૂઝ આવ્યા. હરિયાણામાં પાંચમા ધોરણમાં ભણતી છોકરી ! એને ખબર પણ નહીં હોય કે તેની સાથે શું થઈ ગયું. મને દર વખતે આવા કેસ સમજાતા નથી? રેપ થાય છે શું કરવા? ઉંમર તો આમાં ક્યાય આવતી જ નથી. કોરોના દર્દીઓને પણ છોડ્યા નથી. હોસ્પિટલના વોર્ડમાં રેપ થાય છે, આવા ન્યૂઝ વાંચતા રૂવાંટા ઊભા થઈ જાય છે. છોકરીઓ સેફ છે, તમે ભણો, તમારે જે કરવું હોય એ કરો. એક શાકમાર્કેટ સુધી શોર્ટ્સ પહેરીને જઈએ તો પણ સામેની નજર જોઇને મેટ્રો સિટીની માનસિકતા ખબર પડી જાય છે.
વડોદરાના કેસમાં છોકરીએ તેના પપ્પાને શું મોઢું બતાવશે તેમ કહીને આત્મહત્યા કરી. મિત્રો પર વિશ્વાસ કર્યો તે જ તેની મોટી ભૂલ. હું કહું છું કેમ દર વખતે આટલો ખરાબ વિશ્વાસઘાત ! છોકરીની મરજી વગર તમે તેને ટચ પણ ના કરી શકો, પણ આપણા દેશમાં ખબર નહીં ક્યારે સુધરશે? આ વાત ખાલી ભારતની નથી, આખી દુનિયામાં રેપ કેસનાં ન્યૂઝ આવે છે, અને વિચાર કરો 10% જ આપણી સામે આવે છે. અમે સ્ત્રી છીએ એ અમારી ભૂલ? છોકરી સારી રીતે વાત કરે એનો અર્થ એવું નથી કે એ તમારી મિલકત છે. ઘરે તમારી બહેન અને મમ્મીની જેટલી રિસ્પેક્ટ કરો છો તેટલી જ રિસ્પેક્ટ બહારની છોકરીની કરો, તેને પણ પરિવાર છે. દેશમાં સેક્સ એજ્યુકેશનનાં નામે કઈ નથી, ફ્રી પોર્ન સાઈટ, ઉપરથી બધાની સાથે સ્માર્ટફોન. ટ્રેપ કરવાની જાળ એટલે આપણું વિશાળ સોશિયલ મીડિયા. મારી ગેલેરીમાંથી હું રોજ એક 8 કે 9માં ધોરણમાં ભણતા છોકરાને જોવું છું. સાંજ પડે ફોન લઈને ધાબે ચડી જાય છે. તે શું જોવે છે એ નથી ખબર પણ તેની આંખો પરથી મને ખબર પડી જાય છે. જે ટોપિક પર માતા-પિતા સાથે વાત કરવાની હોય એ થતી નથી. પેરેન્ટ્સે મિત્ર બનવાની જરૂર છે. મિત્ર બનશો તો તમારાથી કોઈ વાત છુપાવશે નહીં. ચાકુ અને મિર્ચી સ્પ્રે જોડે લઈને ફરો.
હાલનાં ગુજરાતનાં રેપ કેસમાં બાપ જ આરોપી નીકળ્યો. એક બાપ થઈને તમારી દીકરી સામે ખરાબ જોઈ કેવી રીતે શકો? એટલું જ હોય તો સંતાન જ નહીં લાવવાના, અરે લગ્ન જ નહીં કરવાના. બીજાની જિંદગી તો ખરાબ ના થાય. આનું સોલ્યુશન શું? દિલ્હીના રસ્તાઓ પર પોસ્ટર લઈને ઊભા રહેતા લોકો ન્યાય માગે છે, ફાંસી માગે છે. જેટલા હળવાશથી આ ન્યૂઝને લેવામાં કે ફગાવી દેવામાં આવે છે એ ખોટું છે. પ્રેમ એ પવિત્ર વસ્તુ છે. ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું છે, વાસના ભરેલી વ્યક્તિ ક્યારેય મારી નજીક નહીં આવી શકે. ફૂલ જેવી જિંદગી કોઈની ના બગાડો. આરોપીને બધા વચ્ચે સજા આપો, જેથી બીજું કોઈ કર્યા પહેલાં 10વાર વિચારે. બધાનું જીવન કિંમતી છે.
Comments
Post a Comment