કોરોનાવાઈરસ અને લગ્ન...લગ્ન અને સપનાં...સપનાં અને હકીકત......
લગ્ન, સાત જન્મનો સાથ, બે પરિવારનો ઉત્સવ.
જે લોકોનાં લગ્ન આ મહામારી ટાઈમમાં આવ્યા કે પછી આવવાના હશે તે લોકો મન મૂકીને ગાળો આપતા હશે. અત્યારે જ આ કોરોનાને આવવું હતું? મારા જ લગ્નમાં? મારા કેટલા બધા પ્લાનિંગ હતા? આમ કરીશ, તેમ કરીશ, ફલાણું..ફલાણું..
અફસોસ એ વાતનો કરવો જે આપણા હાથમાં હોય. રહી વાત લગ્નની તો આ સમયને બીજી નજરે પણ જોઈ શકાય. 50 મહેમાનોની હાજરી. સાદાઈથી લગ્ન. પૈસાનો ધુમાડો નહિ. ઓછા માણસો હશે પણ પોતાના* હશે. રૂપિયા ઓછા ખર્ચાશે પણ આનંદ વધારે થશે.
કોરોનાટાઈમનાં લગ્ન
લગ્નનું આમંત્રણ ડિજિટલ
ઓછા મહેમાનોની હાજરી
માસ્કને લીધે લિપસ્ટિકનો રંગ નહિ દેખાય
મંડપમાં સ્પ્રેની જગ્યાએ સેનિટાઈઝરની સુગંધ
ઓછા માણસો, જમણવાર ઓછો, ખર્ચો ઓછો, FD વધારે
મામેરૂ ગૂગલ પે, ફોન પે કે પછી પેટીએમમાં મોકલાય જાય
ચાંદલો પણ ડિજિટલ ટ્રાન્જેક્શન
લગ્ન જોવા ઝૂમ ગ્રુપ કોલિંગ
ઉત્સવ નાનો, થાક ઓછો લાગશે
મે.....રે......જ....
લગ્નના સપનાં બધા જોવે છે, હું જોવું છું. તમે જોવો છો, આપણે બધા જોઈએ છીએ. પણ...ફોટો આલ્બમમાં જોવો છે કે પછી દીવાલ પર એ તમારા હાથમાં છે. હું નાની હતી ત્યારથી રસ્તા પરથી કોઈની જાન નીકળે તો મમ્મીને જીદ કરું કે મને પણ નવા કપડાં પહેરાવો. હું પહેરતી પણ ખરી અને ઊભી પણ રહેતી. આજની તારીખમાં પણ રસ્તા પર જાન જોવું તો મારા એકટીવામાં અચાનક બ્રેક લાગી જાય, પણ જાન બીજાની જ ગમે છે. આઈ પ્રિફર કોર્ટ મેરેજ. તમે નહિ માનો પણ કોર્ટ મેરેજમાં કયો પોઝ આપવાનો છે એ પણ મેં નક્કી કરી લીધું છે. લગ્ન મહત્ત્વના છે સાથે જીવન પણ. જીવશું તો બીજા વર્ષે ફરીથી લગ્ન કરજો. કોરોના પહેલાં પણ કોર્ટ મેરેજ નક્કી હતા(ભલે મૂરતિયો નક્કી ના હોય).
મૃત્યુ પછી શું છે? ખબર નથી. જે છે એ જીવતા જીવ છે. કોરોનાટાઈમે ઘણું બધું શીખવાડ્યું છે. લગ્ન માટે પણ, ખર્ચ ઓછો. જેથી બંને પરિવારને પોષાય. હું આખા જીવનની મૂડી 2 દિવસ માટે ખર્ચવાની વિરુદ્ધ છું. 10 હજાર રૂપિયાની બનારસી સાડી લેવાને બદલે હું ટેલિસ્કોપ લેવાનું પસંદ કરીશ. 5-10 તોલા સોનુંને બદલે એટલા રૂપિયામાં ભારતનો પ્રવાસ ખેડવાને હું મહત્ત્વ આપું. પાર્લરમાં તૈયાર થવાના રૂપિયામાં આખું વર્ષ વાંચું એટલા પુસ્તકો આવી જાય.
મદદ લો, મદદ કરો
કોરોનાની ગંભીરતા હજુ આપણે સમજ્યા નથી કે સમજવી નથી. રોજ ન્યૂઝ સાથે કામ કરનારી હું મારા મમ્મીને ના પાડું છું કે આજે સમાચાર ના વાંચતા. પપ્પા વાત કરે તો હું વાત બદલી દઉં છું. વેક્સિન શોધી, લીધી, સાવધાની રાખી તેમ છતાં કોરોના આપણી આજુબાજુ છે. કોરોનામાં સ્વજન ગુમાવનારા માટે આ સ્થિતિ એક સપનું જેવી બની ગઈ છે. કાલે વાત કરી હતી આજે એ માણસની હયાતી નથી. કોની પર ખીજાઈશું? કોનો વાંક? કોણ જવાબદાર? કંઈ ખબર નથી. સ્મશાનમાં 24 કલાક ભીડ રહે છે. ગરમી ચાલુ થઇ ગઈ અને આ જ ગરમીમાં પ્લાસ્ટિકની PPE કીટ પહેરીને કામ કરવાનું. પરસેવાના રેલા ઉતરતા હોય. આજુબાજુના દ્રશ્યો ભયાનક છે. જીવ ગુમાવ્યા પછી ચહેરો જોવા મળતો નથી અને એક સપનું બની જાય છે. કમાણી પર અસર, નોકરી પણ અસર. નોકરી કરે છે તેને પણ ડર છે અને ગુમાવી દીધી તેને પણ ડર છે. આ સ્થિતિમાં ટકવાનું છે. છેલ્લા શ્વાસ સુધી લડવાનું છે. આપણા સ્વજનોનું ધ્યાન રાખવાનું છે. શક્ય હોય તેટલી મદદ કરો અને મદદ જોઈએ તો માગી લો.
(લગ્ન વિશેના તમામ શબ્દો અને વિચારો મારા છે, ઠેંસ પહોંચાડવાનો ઈરાદો નથી, સમાજને અરીસો બતાવવો જરૂરી છે)
સાદગી સાથે સત્યનું વર્ણન. ગમ્યું ❤️
ReplyDelete💫😇
Deleteસુંદર લેખન ♥️
ReplyDelete😇💫
Delete