AYESHA, THIS IS NOT FAIR
આઈશા સુસાઈડ કેસનાં ન્યૂઝ કાલે સવારે આવ્યા. મેં તેના છેલ્લા શબ્દો વાંચ્યા અને પછી સાંભળ્યા. ઘરે આવીને મમ્મીને કહ્યું આ કાલનાં છાપાની ફ્રન્ટ પેજ સ્ટોરી છે. યેસ, ઈટ ઈઝ ‘સ્ટોરી.’ ન્યૂઝ ચેનલ, વેબસાઈટ, યુટ્યુબ ચેનલ કે પછી અન્ય કોઈ પણ સોશિયલ મીડિયા લઇ લો, તેમના માટે આ એક જોરદાર સ્ટોરી હતી. એક દિવસ આખો આઈશા બધે છવાયેલી રહી. વારંવાર લોકોએ તેના શબ્દો સાંભળ્યા, અવાજ સાંભળ્યો અને પછી બધા પોતાનામાં વ્યસ્ત. કાલ ઊઠીને ફરીથી કોઈ નિર્દોષ જીવ તેની ભૂલ વગર બીજાને લીધે જીવ ગુમાવશે. ફરીથી આપણે વાંચીશું, જીવ બાળીશું અને પછી બસ પૂરું.
આઈશાનાં શબ્દો તમે ધ્યાનથી સાંભળ્યા હશે તો જણાશે કે તેણે સાચો અને નિ: સ્વાર્થ પ્રેમ કર્યો હતો. જેની સાથે નિકાહ થયા હતા તેની સાથે દરેક છોકરી જેમ સપનાં જોવે તેવા જ સપનાં તેના પણ હતા. હું અને આઈશા સરખી ઉંમરનાં છીએ. આ ઉંમર મને ખબર છે કેટલી અઘરી છે. સપનાં જોવાના, કરિયર બનાવવાનું, દુનિયા ફરવા જવાનું અને લગ્ન !! હજુ થોડા દિવસ પહેલાં મારી એક ફ્રેડ સાથે વાત થઈ. તેને પાર્ટનર મળી ગયો. અરેન્જ મેરેજ અને સામે મસ મોટું દહેજ. ભાઈ, તમે શું જોઇને દહેજ માગો છો ? આ દહેજને લીધે જ દરેક માતા-પિતાને તેની દીકરી એક બોજ લાગે છે. તેને છોકરી સારી નોકરી કરે છે એની ચિંતા નથી પણ,,તેના લગ્નની ચિંતા હોય છે. શું કરવા દહેજ માગવું પડે ? તમને હાથ-પગ નથી આપ્યા પૈસા કમાવવા ? એ તમારા ઘરનું કામ કરવા માટે નથી. એક ઘર છોડીને બીજા ઘરે જવું બહુ અઘરું હોય છે, એકવાર તમારા લાડકવાયા દીકરાને વિદાય કરવાનો વિચાર કરજો. એક પરિવાર તમને અમૂલ્ય મૂડી એટલે કે એની દીકરી સોંપે છે. એનાથી વિશેષ શું હોય શકે? ભારત આગળ વધી રહ્યો છે, આપણે મોડર્ન થઈ ગયા છીએ. સ્માર્ટફોન વાપરતા આવડી ગયો છે તો વિચાર મોડર્ન કરોને.
આઈશા પોતાના નસીબને દોષ આપે છે. આટલું સુંદર જીવન તેણે નસીબ ખરાબ છે તેમ કહીને ટૂંકાવી દીધું. મારા માટે બોલવું સહેલું છે, કોઈને મોટિવેશન આપવું પણ સહેલું છે. પણ જે વ્યક્તિ પર વીતે છે તે અઘરું છે. એ છોકરી કેટલી હદે કંટાળી ગઈ હતી. નફફટ પતિ એવું કહે છે કે મરતા પહેલાં મને વીડિયો મોકલજે. પ્રેમ કોઈ રમત વાત નથી કે લગ્ન પણ કોઈ ખેલ નથી. તમે નિભાવી શકતા હોવ તો જ આ જંગમાં પડો. બાકી એકલા જીવન જીવી લો પણ મહેરબાની કરીને કોઈનું જીવન ખરાબ ના કરો. આજે સાબરમતી નદી પરથી પસાર થઈ ત્યારે મને હવામાં આઈશાનો અવાજ સંભળાતો હતો. નિર્દોષ ફૂલ ખરી ગયું. તેના માતા-પિતા વિશે વિચારીને હૈયું કંપી ઊઠે છે.
હજુ કહું છું આ જીવન હકીકત બહુ સુંદર છે. મન મૂકીને જીવી લો. મારું-તારું, તારું-મારું કરવામાં કોઈ મજા નથી. તમને કોઈ બીજાની જીદંગી ખરાબ કરવાનો કે છીનવી લેવાનો કોઈ હક નથી. દહેજ માગવાનું બંધ કરો. તમે સપોર્ટ કરશો તો તે દહેજ કરતાં 10 ગણા રૂપિયા કમાઈને આપશે. એક પરિવારે તમારા પર વિશ્વાસ કરીને દીકરી આપી છે, તેનું જીવન ખરાબ ના કરો. ક્યારેક તેની બાજુમાં બેસીને પૂછજો, ‘વહુ બેટા, આ ઘરમાં આવીને તે કેટલા સેક્રીફાઈસ કર્યા, તારા કયા સપનાં અધૂરા રાખ્યા?’
સાચી વાત કરી.........
ReplyDelete