Ice gola

                                                     

ઓયય....તારે આવવું છે ગોળા ખાવા ? ઉનાળામાં કદાચ રાતે જમીન બધાના ઘરેથી આવો અવાજ સંભળાતો હશે. ગરમીમાં ચૂસકા ભરીને બરફના ગોળા ખાવાની મજા જ અલગ છે અને ઘણી વખત તો પેટ ભરેલું હોય તો પણ એકસાથે 2-૩ પણ ખાઈ લઈએ.
                                               

 બરફના ગોળા ખાવાની જે મજા છે તેવી ડીશ ખાવામાં નથી તેવું મારું માનવું છે, કારણકે ફિલિંગ મહત્ત્વની છે. ગોળા ખાતી વખતે મારી બહુ જૂની ટેવ એ છે કે હું અલગ-અલગ ફ્લેવર સાથે મિસ મેચ કરીને અખતરા કરતી હોવ, ઘણી વખત આ અખતરા કરવાની મજા આવી છે તો ઘણી વાર બરફનો ગોળો પરાણે પણ પૂરો કરવો પડ્યો છે. જે પણ હોય બરફના ગોળા અને ગરમીનું કોમ્બિનેશન જોરદાર છે.
                                       
                                         
આ વર્ષે પ્રિય એવા કોરોના વાઈરસને લીધે દૂર-દૂર સુધી મને તો ક્યાંય બરફનો ગોળો કે તેની લારીના દર્શન નથી થયા અને હવે તો વરસાદે પણ પધરામણી કરી લીધી છે એટલે આ વર્ષે તો ગોળા ખાવાના કોઈ ચાન્સ જ નથી એવું કહી શકાય. એવું નથી કે ગોળા માત્ર બહાર જ મળે છે ઘરે પણ બનાવી શકાય છે પણ તેમાં બહાર જેવી મજા નથી.
                                       

બરફના ગોળા ખાતી વખતે આજુબાજુનું વાતાવરણ જોવાની પણ મજા આવી જાય. કોઈક પ્રેમી પંખીડા આંખમાં આંખ નાખીને ખાતા હોય તો બીજા પ્રેમી પંખીડાઓનું ધ્યાન તેમના બાળકોમાં હોય કે તેઓ કપડાં ગંદા ના કરી દે. આમાં અઘરું કામ તો ગોળા બનાવનારા ભાઈનું છે બિચારા કેટલાં કન્ફયુઝ થઇ જાય ! બધાના ફ્લેવર અલગ હોય એમાં પણ પાછી આનાકાની કરે. ઓલો બિચારો મૂંગે મોઢે આપતો હોય. મારા ભાઈનો રેકોર્ડ છે, ગોળા ખાતી વખતે તેણે પોતાના કપડાં બગડ્યા જ હોય અને ઘરે ખબર પડી જાય કે બંને ભાઈ-બહેન હાઈવે બરફના ગોળા ખાવા ગયા હતા !

આશા અમર છે ! આવતા વર્ષે આ વર્ષનું પણ હાટુ વાળી લઈશું અને હાઈવે પર બેસીને ગરમ પવનમાં ઠંડા બરફના ગોળા ખાઈશું.

મારું ફેવરિટ કોમ્બિનેશન પાઈનેપલ અને ચોકલેટ છે, તમારું શું છે ?

Comments

Popular posts from this blog

કુદરતની કરિશ્મા: કોડાઈકેનાલ

હિમાલયના ખોળામાં

પ્રકૃતિ સાથે ગુફ્તગુ