I am Lockdown
હું લોકડાઉન છું. માનવજાતને તો હું જરા પણ નથી ગમ્યો, હા પણ પ્રકૃતિ અને પશુ-પક્ષીઓ મન મૂકીને મારી સાથે જીવી રહ્યા છે. મારો જન્મ મહામારી કોરોના વાઈરસને લીધે થયો છે. કોરોનાનો હજુ સુધી કોઈ ઈલાજ નથી શોધાયો. લોકો જિંદગી અને મોતનો ખેલ રમી રહ્યા છે. લોકડાઉન એટલે બધું બંધ. આ મનુષ્ય ગાંડાની જેમ રાત-દિવસ દોડ્યા કરતો હતો તેને મારે લીધે ઘરમાં બેસી રહેવું પડ્યું છે. ક્યારેય જેણે બ્રેક લીધો નહોતો તેમની ગાડી હાલ અટકી ગઈ છે. રસ્તાઓ સૂમસાન છે. આ એ જ રસ્તાઓ છે જ્યાં 24 કલાક વાહનોની અવર-જવર હોય. રસ્તાઓ અત્યારે ખુશ હશે કેમ કે તેમને ખરાબ કરનારો મનુષ્ય ઘરમાં છે.
ઘણાય મને ગાળો આપે છે. મારા લીધે ઘણા લોકોની રોજી-રોટી છીનવાઈ ગઈ છે. કોઈની પાસે કામ નથી. લોકો માનસિક રોગથી પીડાવવા લાગ્યા છે. મને લોકોએ બે રીતે લીધું છે, કેટલાક ઘરે રહીને નવું શીખી રહ્યા છે અથવા તો પરિવાર સાથે સમય વિતાવે છે. તો અમુક લોકો આખો દિવસ ન્યૂઝ જોઈને પોતાના મગજમાં નેગેટીવીટી ભરી રહ્યા છે.
દુનિયા સાથે કદમ મિલાવવાની લ્હાયમાં આ મનુષ્ય સૂર્યોદય અને સૂર્યાસ્ત જોતા ભૂલી ગયો હતો. મેં તેમને યાદ અપાવ્યું કે, દુનિયામાં બીજું બધું પણ છે. એક દુનિયા તમારી અંદર છે જેને તમે કયારેય જોઈ જ નથી કે તેની સાથે વાત કરી નથી. પ્રદૂષણ ફેલાવીને દુનિયાની સુંદરતા બગાડવામાં આજનો માણસ અંધ થઇ ગયો છે.
ગંગા નદીને સાફ કરવા માટે કરોડો રૂપિયા ખર્ચ્યા અને આજે તે લોકડાઉનમાં ચોખ્ખી થઇ ગઈ. તેમાં ડોલ્ફિન દેખાઈ. ઘણા વર્ષો પછી સ્થાનિકોએ આટલી ચોખ્ખી નદી જોઈ. આ માત્ર ગંગાની વાત નથી પણ દેશના બધા મહાનગરોની વાત છે જે રેસમાં લાગવામાં ખોવાઈ ગયા છે.
હું પૃથ્વી માટે અને તમારા માટે જરૂરી હતો તેવું મને લાગે છે.
Comments
Post a Comment