BRTS Bus Diary-7


                                       


                                     લગ્ન કોની સાથે કરવા ?

ઘણી વખત મુસાફરીમાં આપણને એવા લોકો મળી જાય છે કે ક્યારેક એમ થઇ જાય કે મુસાફરી ક્યારે પૂરી થશે ક્યારેક એમ થાય કે આ મુસાફરી પૂરી જ ન થવી જોઈએ. અહી હું તમને જે કિસ્સો કહેવાની છુ તેમાં મને આ બંને ફીલિંગ આવી હતી. મારા મગજમાં તો લગ્નની આખી વ્યાખ્યા જ બદલાઈ ગઈ જયારે એ માસી મને બસમાં મળ્યા. 

સ્વાભાવિક છે આપણો સ્વભાવ લોકોને મદદ કરવાનો એટલે કોઈ બીઆરટીએસના સ્ટેન્ડનું પૂછે એટલે આપણો જવાબ ફૂલ ડીટેઇલમાં હોય, સામે ભલે ગમે તે વ્યક્તિ હોય. મને જે માસી મળ્યા એમનું પણ આવું જ હતું. એમને એમના સાસુને એમના નણંદના ઘર મુકવા જવાનું હતું સોનીની ચાલી. હવે તે પોતે રહે પ્રેરણાતીર્થ દેરાસર બાજુ એટલે આ બાજુનો વિસ્તાર તો જોયો જ ન હોય. 

જોવાની વાત તો એ છે કે તે શિવરંજનીથી ચડ્યા અને ટિકિટ લીધી અંજલીથી એ પણ પાછા એક દમ બિન્દાસ થઈને. અંજલી ખાલી બસ આવે એટલે જગ્યા આરામથી મળી જાય. હું બસમાં પહેલા ચડી ગઈ અને તેમના અને તેમના સાસુ માટે જગ્યા રાખી. માસી બેઠા મારી સામે. એક્ચ્યુલી વાત તો અમારી અંજલીના સ્ટેન્ડ પર જ ચાલુ થઇ ગઈ હતી. જેટલી ચિંતા મને મારા પગારથી નથી એટલી એમને હતી. મને બહુ ખરાબ લાગ્યું હો કે તું આટલું ભણેલી છે તો પણ તને આટલો જ પગાર આપે છે અને એ પણ આટલે દૂર જોબ કરવા જાય છે અને હું એમની હા માં હા ઉમેરતી હતી.  એમને મારા સપના સમજાવવા મને યોગ્ય ન લાગ્યા પણ એમની ચિંતા હું સમજી શકતી હતી. 

સ્ટેન્ડ પર બાકી રહેલો સંવાદ બસમાં ચાલુ થયો. બાપ રે..એમની લાઈન હું ક્યારેય નહી ભૂલી શકું અને જો એમાં પણ કોઈ છોકરો જોવા આવશે લગ્ન માટે ત્યારે તો મને એમના વાક્યને ચોક્કસથી યાદ આવશે. માસીના ઘરવાળા પોસ્ટમાં જોબ કરે છે એમનો પગાર 7૦,૦૦૦. માસીએ મને કીધું તારા કાકાનો આટલો પગાર છે તો પણ  એ રોજ સવારે નોકરી જોતા હોય છે. એક મેગેઝીન કીધું હતું એનું નામ મને હાલ યાદ નથી એમાં મસ્ત નોકરીઓ આવે છે તે મને અઠવાડિયે વાંચવાનું કીધું. 

તમને કીધું એમ હું આ માસીને ઓળખી ગઈ અને મેં હા-માં-હા મેળવવાનું ચાલુ રાખ્યું. પછી ટોપિક આવ્યો લગ્નનો. મને એમણે ભૂયંગદેવનું એડ્રેસ આપ્યું કે અહી જઈ આવજે ત્યાં ગ્રીન કાર્ડ વાળા છોકરાઓ જ હોય છે. એમના ભાઈ માટે છોકરી પણ તેમણે ત્યાંથી જ શોધી હતી. પાછા ‘મને કે મારી ભાભી શ્યામ છે દેખાવડી નથી પણ ગ્રીન કાર્ડ વાળી હતી અને બહુ પૈસા છે એ લોકો જોડે. મારા ભાઈએ તો હાપાડી દીધી. અત્યારે કરોડપતિ છે એ લોકો. મારી બહેનનો છોકરો તો એક જ ધૂન લગાવીને બેઠો છે કે મારે તો બસ એનઆરઆઈને જ શોધવી છે, પછી ભલે એ ગમે તે નાતની હોય. પૈસાથી કામ છે મારે તો એક વખત લગ્ન થઇ ગયા એટલે કેટલું સારું. એક વાતની નોંધ લેવી કે આમાં હું મારા ઘરના કોઈ શબ્દ નથી ઉમેરતી. હું આ સાંભળીને એટલી શોક ગઈ હતી કે બાપ રે લગ્ન એટલે શું પૈસા કમાવવા નો ધંધો છે ? આ તો એવું જ થયુંને એક બાજુ દીકરીના પપ્પા પૈસા વાપરે અને બીજી બાજુ એના જમાઈના ખિસ્સા ભારે. મારી બાજુમાં મારી જ ઉંમરનો એક છોકરો બેઠો હતો. થોડી વાર પછી તો એને પણ આ બધી વાતો સાંભળીને આશ્ચર્ય થયું હશે એમ મને લાગ્યું. એમના છોકરા ડીપીએસમાં ભણે છે. આટલા પગારમાં પણ એ લોકોને પૂરું નથી થતું તેવી  ફરિયાદ મારી સામે કરી રહ્યા હતા. મેં મનમાં વિચાર્યું તમને તો 7 લાખ પણ ઓછા પડે જો વિચારોને આવા રાખો તો..મને પણ કીધું હું કે તું પાક્કું જજે એ મેરેજ બ્યુરોમાં. જિંદગી બની જશે.’

જિંદગી સારી જીવવા માટે શું ખાલી પૈસા જ મહત્વ રાખે છે બીજું કઈ જોવાનું જ નહી. વિદેશની જિંદગી આપણે ધારીએ એટલી સહેલી અને મોજ-શોખ વાળી પણ નથી હોતી. જો કે આમાં વાંક એ માસીનો નથી. અત્યારે લગ્નની પ્રતિકૃતિ જ લોકોએ બદલી નાખી છે. 50 લાખનો ધુમાડો કરીને ધામધૂમથી લગ્ન કર્યા હોય અને 6 મહિના પછી છૂટાછેડા લેવા માટે વકીલ શોધતા હોય. 

પ્રેમ હોય કે લગ્ન હોય તેનું મહત્વ અનેરું હોવું જોઈએ. આંધળી દોટમાં આપણે ઘણા સંબંધોને ત્રાજવા પર મુકીને તોલવા બેસી જઈએ છીએ. કદાચ આ જ કારણસર છાપામાં આવતી લગ્ન વિષયક જાહેરાતમાં હવે છૂટાછેડાના માંગા વધારે હોય છે. આ બધા કિસ્સાઓને જોઇને લાગે કે લગ્ન કરવા તો કોની સાથે કરવા ? અને જેની સાથે કરીએ એ સારો જ નીકળશે એવી ગેરેંટી લગ્ન વખતે કોણ આપશે ? સપનામાં જોયેલો હમસફર આ લગ્ન કરેલા અજાણ્યા જેવો જ હશે ? બે પરિવારે રમેલા લગ્નના જુગારમાં કોની જીત થશે ?

માસીએ કીધેલા બધા શબ્દો મારા મગજમાં દોડાદોડી કરી રહ્યા હતા. મેં આ વાત મમ્મીને પણ કીધી. એટલું જ નહી પણ માસી એટલા હોંશિયાર કે આડકતરી રીતે એના બહેનના છોકરાના સંબંધની વાત પણ મારી સાથે કરી દીધી.

આ બધા કરતા એક જોરદાર વાત કહું ?  દિવસે માસી પાણીનું ગીઝર રીપેર કરાવવાનું પણ કહેતા હતા અને એ દુકાન આવી છે સોનીની ચાલી. જો કે તેમણે મને 900 રૂપિયામાં આ ગીઝરની ઓફર પણ કરી હતી પણ મારી સાથે ખાલી 9 રૂપિયા જ જ હતા.હહાહાહાહ..

બીજા દિવસે આ જ માસી મને અંજલી સ્ટોપ પર એ જ ટાઇમે મળી ગયા.ખોટું નહી કહું મેં એમનાથી મોઢું છુપાવવાનો પ્રયત્ન કર્યો, પણ એ જોઈ ગયા મને.
મને લાગે છે માસીને એક દિવસમાં કહેવાનું બાકી રહી ગયું હશે એટલે બીજે દિવસે પણ મને ભટકાયા. જે બસ આવી એમાં મારું સ્ટોપ આવે એમનું ન આવે એટલે નસીબ મારું કે હું એકલી જ હતી આ મુસાફરીમાં...પણ સ્ટેન્ડ પર પણ મને નોકરી અને છોકરાનું તો યાદ કરાવ્યું જ હો...!

Comments

Popular posts from this blog

કુદરતની કરિશ્મા: કોડાઈકેનાલ

હિમાલયના ખોળામાં

પ્રકૃતિ સાથે ગુફ્તગુ