BRTS Bus Diary-6


                                             
 
                                                 ક્રિસમસ ડે

જાહેર રજાઓ માત્ર કોલેજ અને સ્કૂલ સુધી જ સીમિત હતી. રજાઓ એમાં પણ ખાસ કરીને વેકેશન..રિયલ જિંદગીમાં આવ્યા પછી તો તે ભૂલી જ જવાનું. વર્ષના છેલ્લા 5 દિવસ બાકી હોય એટલે બધા સેલિબ્રેશન કરવા ઉપડી પડે. 

મને તો ક્રિસમસની રજા પણ નથી આપી તો ફરવા જવાની વાત તો બહુ દૂર રહી.જો હું યાદ કરું તો છેલ્લે મિત્રો સાથે કરેલો પ્રવાસ એ મારા 9માં ધોરણનો હતો. 2 દિવસ માટે ઉદયપુર લઇ ગયા હતા. એમાં પણ મને યાદ છે હું વળતી વખતે તો ચિત્રની થીયરી વાંચી રહી હતી. આખી બસ જયારે સુઈ ગઈ હતી ત્યારે ફોરમ મેડમ બીજા દિવસની વાર્ષિક પરીક્ષાનું વાંચી રહ્યા હતા. ભણેશ્રી હતી એવું નહિ પણ ચિત્રની થીયરી મારા માટે એક જંગ બરાબર હતી. દોરી દેવાનું કહો તો રેડી..પણ આ ચિત્રકારના નામ આપણાથી યાદ ન રહે. 

હા તો, મુખ્ય વાત પર આવીએ. સવારે મારે કોઈ દિવસ નિરાંતના શ્વાસે તો જવાનું આવે જ નહી. એક સેકન્ડની કિંમત મને પૂછો જયારે આંખની સામેથી બસ નીકળી જાય. સવારે હાઇવે પર ઉભેલા બધા જોતા હશે કે આ નંગ રોજ દોડતી દોડતી આવે છે એમ ખબર ન પડે કે થોડું વહેલું નીકળી જઈએ. બસમાં પગ મુક્યો ત્યાં તો..વાહ...આજે આટલી બધી સીટ ખાલી છે..પબ્લિક ક્યાં જતી રહી..! અચ્છા.. આજે તો ક્રિસમસ ડે છે...ફોરમ તારે એકને જ રજા નથી બાકી ગામ આખાને રજા છે. પણ મારે અ બધું મનોમંથન બસમાં જ ખાલી ચાલુ હોય..બાકી ઓફિસમાં ઘુસ્યા પછી એવું કઈ યાદ પણ ન આવે. રોજની જેમ એ દિવસ પણ નીકળી ગયો. નહેરુનગર બીઆરટીએસ બસ સ્ટોપ પરથી બે છોકરીઓ ચડી. 

બંને એ બસમાં આવતાની સાથે જ બધાનું ધ્યાન ખેંચી લીધું. સૌ પ્રથમ ડ્રાઈવરને પૂછ્યું આ બસ અંજલી જશે. ડ્રાઈવરે લોકોને એક વખત ઇગ્નોર કર્યા પછી જવાબ આપ્યો. તો પણ એ લોકોના ચહેરા પરથી હું કહી શકું કે હજુ તે લોકો બીજાને પૂછવા માંગતા હતા. મેં કીધું હું કહીશ તમને સ્ટોપ આવશે તો અને એ લોકોનો જવાબ સાચેમાં મને આશ્ચર્યમાં મૂકી દે તેવો હતો. એ લોકોએ મને થેંક્યું બહેન એમ કીધું. 10 મિનિટની મુસાફરીમાં મેં એ લોકોનું નીરખીને અવલોકન કર્યું. એટલું જોરદાર કાઠીયાવાડી બોલતા હતા કે આવું તો હું સૌરાષ્ટ્રમાં રહી તો પણ મેં નથી સાંભળ્યું. પછી તો કોઈક કવિતા ચાલુ કરી. એના શબ્દો સ્પષ્ટ સંભળાતા નહતા પરંતુ સાંભળીને મજા આવી રહી હતી. બંને ગીત ગાતા જાય અને માથા પર ઓઢેલો દુપટ્ટો સરખો કરતા હતા. એકની ઉંમર 10 અને બીજીની આશરે 14 વર્ષ આસપાસ હશે.     

અમારે ત્રણેય જણાને એક જ જગ્યાએથી બસ બદલવાની હતી. એ લોકોને હજુ પણ વિશ્વાસ નહતો કઈ બસમાં જવું તો ત્યાં ઉતરીને ટીકીટ બારીએ પૂછવા ગયા એ લોકોએ એમનો પહેરવેશને એ જોઇને તોછડાઈમાં જવાબ આપ્યો.મેં એમને કીધું હજુ તમારી બસ આવવાને વાર છે અહિયાં બેસી જાવ..પછી તો શું..વાતચીત થઇ ગઈ ચાલુ. મેં આટલા વર્ષોમાં પ્રથમ વખત બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર કોઈને બિન્દાસ ચંપલ વગર ગરબા કરતા જોયા. નથી એ લોકોને કોઈની બીક કે દુનિયા શું જોશે..શું કહેશે..શું ઉડાવશે..! બસ અમે તો અમારી ધૂનમાં મસ્ત. એ લોકોના પાંચ નામ હતા. નકલી અને અસલી તો નામ રાખ્યા હતા. હાથમાં મસ્ત લાલ કલરની નેઈલ પોલીશ કરેલી હતી. મસ્ત બંગળીઓ પણ પહેરેલી હતી. બંનેને મારા કરતા પણ વધારે ઘરના કામ આવડે છે. મને કે અમને બધું આવડે છે પણ..................
કોઈ નોકરી નથી આપતું. એક વખત તો મારા આંખમાં પાણી આવી ગયા કે સ્કૂલ જવાની ઉંમરમાં આ લોકો  નોકરીની આશ જોઇને બેઠા છે.

બંનેમાંથી નાની છોકરી સતત મોઢામાં સોપારી ખાઈ રહી હતી. મેં એને પૂછ્યું તો એ શરમાઈ ગઈ. થોડી વાર પહેલા તે લોકોએ મને એવું કીધું કે તેમની પાસે ચંપલ લેવા માટે પૈસા નથી. મારાથી ન રહેવાયું મેં કઈ દીધું કે રોજના સોપારીમાં જેટલા રૂપિયા બગડો છો એના કરતા પૈસા ભેગા કરીને મસ્ત ચંપલ લઇ લો. તારા મારી સામે-ને-સામે જ જોઈ રહી. પણ મોટી જેનું નામ એ લોકોએ મને જયા કીધું તેણે મને સીધું કહી દીધું કે હા, બસ તું કે છે તો આજથી અમે નહી ખાઈએ સોપારી.

અમારી સામે બેસેલા એક ભાઈ અમને જોઇને હસતા હતા અને બાકીના બધા મને જોઇને હસતા હતા. ત્યાં મેં કીધું ચાલો તમારો એક ફોટો પાડું. ફોટો હશે મારી સાથે તો એ લોકો સાથે વિતાવેલી મેમરી ફોનમાં કેદ રહેશે. તો એમાં તારા બેન શરમાઈ ગયા. હું સમજી ગઈ એ લોકો થોડું ઓડ ફિલ કરે છે. મારી સાથે બીજો એક ઓપ્શન હતો એ છે સેલ્ફી....મેં કીધું ચાલો આપણા ત્રણનો ફોટો આવી જાય એમ કરીએ. બંને પોતાનો દુપટ્ટો સરખો કરવા લાગ્યા અને મસ્ત સ્માઈલ કે જે આજકાલની આર્ટીફીશ્યલ સ્માઈલ કરતા ઘણી સુંદર હતી. મારા ફેસ પર મસ્ત સ્માઈલ હતી. આ મારી અત્યાર સુધીની બેસ્ટ સેલ્ફી હતી અને એ લોકોની જિંદગીની પહેલી સેલ્ફી.....

મારે બસ એટલું જ કહેવું છે કે આપણે આ લોકોને જોઇને મોઢા ફેરવી લેતા હોઈએ છીએ. એમના વિશે ઉલટું સીધું વિચારતા લાગીએ છીએ પરંતુ હકીકતમાં તો આપણે તે લોકોની સ્ટોરી જ નથી જાણતા .

Comments

Popular posts from this blog

કુદરતની કરિશ્મા: કોડાઈકેનાલ

હિમાલયના ખોળામાં

પ્રકૃતિ સાથે ગુફ્તગુ