BRTS Bus Diary-5


મોબાઈલ ફોન



પુસ્તક વાંચવાનો શોખ તો ઘણો બધો રાખું છુ પણ ટાઇમ નીકાળવામાં મારે થોડો ગણિતનો સહારો લેવો પડે છે. મારી બેગમાં ટીફીન ન આવે તો ચાલી જાય પણ એક બુક તો મુકવી પડે. બ્રેક પણ અડધા કલાકથી વધારે નથી મળતો નોકરીમાં નહિતર એવું થાય કે ચાલો બેસી જઈએ એમ.

 જો કે બેસવામાં વાંધો નથી પણ હું પછી કલાક પેલા તો ઉભી જ ન થાઉં. એટલે બીઆરટીએસ બસમાં ટ્રાવેલિંગ વખતે સમય ફાળવી લઉં બાકી રાત આપડા પપ્પાની. પોલો કોહીલ્યોએ બહુ જ મસ્ત વાક્ય હમણાં લખ્યું હતું કે જો તમારે સપનાને પુરા કરવા હોય તો ઊંઘને તિલાંજલિ આપી દો. ( પણ ઊંઘ તો ઊંઘ હોય છે યાર, એમાં પણ શિયાળાની ઊંઘ એટલે તો પતી ગયું ) વાસણાની બસમાં હું મારી ભિલ્લુ બુક વાંચી રહી હતી. બુકની ભાષા સૌરાષ્ટ્રની હતી એટલે થોડું ધીમે અને ધ્યાન દઈને વાંચતી હતી. 

મારી બાજુમાં એક દાદા બેઠા હતા. દાદાએ એક વખત મારા સામે જોઇને સ્મિત કર્યું  કદાચ એટલે જ કે હું ગુજરાતી સાહિત્ય વાંચી રહી હતી. પહેલેથી મને સીનીયર સીટીઝન પ્રત્યે અલગ જ માન છે. બીજી વસ્તુ જે મેં ટ્રાવેલિંગ લાઈફમાં જ નોટીસ કરી છે કે એક એવી ઉંમર પર વ્યક્તિ પહોચી જાય છે જયારે તેને સાંભળવા વાળું કોઈ નથી હતું. એ વ્યક્તિને ઘણું બધું બોલવું હોય છે પણ મોટા ભાગના લોકો ઇગ્નોર કરતા હોય છે કે એમની વાત શું સાંભળવાની ! ૧૫ મિનીટની રીક્ષાના સફરમાં એક દાદાએ મને આશરે એમની લાઈફનું ૭૫ ટકા જેટલું કહી દીધું હતું. મારી અમેની સીટમાં બે દીદી બેઠા હતા. બંને ૫૦ કિમી પ્રતિ કલાકની સ્પીડ પર પોતાની આંગળીઓ દોડાવી રહ્યા હતા ફોનમાં. મારા ખ્યાલથી દાદા તે સ્પીડનું અવલોકન કરી રહ્યા હતા. હું વાંચવામાં મશગુલ હતી. જાદુગર તો નથી પણ આંખ અને ચહેરાના હવ ભાવ પરથી શું ચાલી રહ્યું છે તેની થોડી ઘણી ખબર પડી જાય છે. અમે બેઠેલી છોકરી મેસેજ કરતી , કોઈકનો ફોન આવ્યો, એ કટ કરતી, ક્યારેક ઉપાડીને બોલતી હવે મને ફોન ન કરતો રોજના નાટક છે તારા..રોજના નાટક..એ છોકરી એવું માની રહી હતી કદાચ કે તે પબ્લિક બસ નહી ઘરે બેઠી છે. મોટા ભાગે દરેકનું ધ્યાન તેની સામે ગયું હતું. કાશીરામ ટેક્સટાઈલ  સ્ટોપ આવ્યું અને તે ઉતરી ગઈ ત્યારબાદ બીજા એક માસી બેઠા. એની જગ્યા પર. એ સાસુ હતા એમની વહુના અને સીરીયલમાં આવે તેમ. આ સાસુ બધી સીરીયલમાંથી જ ડાયલોગ ચોરતા હશે એવું મને લાગે છે.
‘ તમને ખબર છે એની મા ના ઘરેથી સુકોમેવો લઈને આવી છે અને સોકેશમાં મૂકી દીધું છે. અમને તો દૂર એના છોકરાને પણ ખાવા માટે નથી આપતી. એના છોકરાને ભણાવવા બેસાડે એટલે જોરથી બારણું બંધ કરે. હવે તમે જ કહો અમે બંને માણસ નિવૃત્ત છીએ અમને કઈક પ્રવૃત્તિ તો જોઈએને. મેં પણ કહી  દીધું તારે જે કરવું હોય એ કર ટીવીતો ચાલુ રહેશે જ. ખબર નહી આખો દિવસ એના ફોનમાં શું કરતી હોય છે. હજુ ઘરે જઈને આવે તો પણ વિડીયો કોલમાં તેની માં સાથે વાત કરે. એને કેમ નું સમજાવવું કે તું પ્રવાસ નહી પણ સાસરે આવી છે. અને બીજું પણ ઘણું બધું.....

દાણીલીમડા તે માસી ઉતરી ગયા. ત્યારબાદ તો એ સીટ પર ૫ લોકો આવીને બેઠા. હરામ છે જો કોઈએ ફોનની ભાર પણ ડોકયું કર્યું હોય તો !

અને મારી બાજુમાં બેઠેલા દાદા બારીની બહારની દુનિયા નીરખી રહ્યા હતા. હું બુકમાંથી ઉપર જોવું તો મારી સામે હળવું સ્મિત કરતા. અંજલી આવ્યું તેમને પણ બસ બદલવાની હતી. અમે સ્ટોપ પર ઉભા હતા હજુ બીજી બસને ૫ મિનીટની વાર હતી. દાદા મને કે દીકરા તને ખબર છે હું કેમ આટલો ખુશ છુ ?

ના, દાદા
મારી પાસે ફોન જ નથી.


Comments

Popular posts from this blog

કુદરતની કરિશ્મા: કોડાઈકેનાલ

હિમાલયના ખોળામાં

પ્રકૃતિ સાથે ગુફ્તગુ